આજનો યુવા નોકરી માગનારો નહીં, નોકરી આપનારો છે: પીએમ મોદી

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિઓ કોન્ફરન્સિંગના માધ્યમથી યુવાન સાહસિકો સાથે રુબરુ થયા હતા. પીએમ મોદીએ એવા સાહસિકો સાથે વાત કરી જેમણે સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળ પોતાનો સ્વરોજગાર સ્થાપ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, આજે આપણી યુવા પેઢી રોજગાર માગી નથી રહી પરંતુ રોજગાર આપવા સક્ષમ બની છે. ભારત વિશ્વમાં સૌથી યુવા દેશો પૈકી એક છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામો એપ્લિકેશન દ્વારા આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ગત ચાર વર્ષમાં કેન્દ્ર સરકારે યુવાઓને સશક્ત કરવાની દિશામાં કામ કર્યું છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયાની શરુઆત કરવાનો ઉદ્દેશ્ય યુવાનોને મજબૂતી આપવાનો હતો. વડાપ્રધાને કહ્યું કે, પહેલાં સ્ટાર્ટઅપ ફક્ત ટીઅર-1 સિટીમાં જ હતાં, પરંતુ અમે એ વાત પર ભાર મૂક્યો કે, તે ટીઅર-2, ટીઅર-3માં વધુ શરુ કરવામાં આવે.

વડાપ્રધાને જણાવ્યું કે, માત્ર શહેરો જ નહીં પણ ગામના યુવાનો પણ પ્રગતિ કરી રહ્યાં છે. આ દરમિયાન પીએમ મોદીએ કેટલાક આંકડા પણ રજૂ કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે, અત્યાર સુધામાં જે સ્ટાર્ટઅપ શરુ કરાયા છે તેમાંથી 45% જેટલા સ્ટાર્ટઅપ મહિલાઓ દ્વારા શરુ કરવામાં આવ્યા છે. આ દરમિયાન પીએમ મદીએ દેશના ઘણા ભાગોમાં યુવાનો સાથે સીધી વાત કરી અને તેમના અનુભવ અંગે માહિતી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, દેશના યુવાનોને સ્વરોજગારીમાં પ્રેરણા આપવા માટે વડાપ્રધાન મોદીએ સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવી મહત્વાકાંક્ષી યોજના શરુ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ની શરુઆત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ‘જેઓ કંઈક કરી બતાવવા ઈચ્છે છે તેમના માટે પૈસો મહત્વનો નથી. તેને જ દેખાય છે કે, ભવિષ્ય શું છે’.