ચોમાસુ ગુજરાતની નજીકઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

અમદાવાદઃ ચોમાસુ ગુજરાતની નજીક આવી ગયું છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. જો કે, ગુજરાતમાં કેટલાક સ્થળો પર હળવા ઝાપટાં પડવાની શરૂઆત થઇ ગઈ છે. ગઢડા ઉપરાંત, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં ગામડાઓમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
11 જૂનથી ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાના જિલ્લાઓથી ચોમાસાની વિધિવત શરૂઆત થવાની સંભાવના છે. 10મી જૂનથી સાયક્લોનિક સરક્યુલેશનની અસર દખાશે, અને વરસાદની સંભાવના વર્તાશે. 11મી જૂનથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં પણ વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.