અમદાવાદમાં પણ આવી ગયો પાણીના પાઉચ પર પ્રતિબંધ…

અમદાવાદ– વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીના પાઉચ, ચાના પ્લાસ્ટિકના કપ અને પાન મસાલા પેકિંગ કરવામાં વપરાતા પ્લાસ્ટિકના રેપર પર પ્રતિબંધ મુકી દીધો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાના ઉદેશ્યથી આ પ્રતિબંધ મુક્યો છે.અમદાવાદના મેયર ગૌતમ શાહે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકતી જાહેરાત કરી હતી. અમદાવાદ પહેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીના પાઉચ પર પ્રતિબંધ મુકતું નોટિફિકેશન જાહેર કર્યું હતું, અને તેનો મંગળવારથી અમલ પણ શરૂ કરી દીધો હતો. રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમે ઠેરઠેર દરોડા પાડીને 30 હજારથી વધુ પાણીના પાઉચ જપ્ત કર્યા હતા.

રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન કાનાણીએ કહેવા પ્રમાણે રાજકોટમાં પાણીના પાઉચ પર પ્રતિબંધ લાગુ થયો છે, હવે તેને રાજ્યભરમાં અમલ કરવા અંગે સુચના જારી કરાશે. લોકો પાણીના પાઉચ પીને ગમે ત્યાં રસ્તામાં ફેંકી દે છે, જેનાથી પર્યાવરણને નુકશાન થાય છે. ગાય પણ આવા પાણીના પ્લાસ્ટિકના પાઉચ ખાઈ જાય છે. તેમજ પ્લાસ્ટિકના પાઉચ ડ્રેનેજ લાઈનમાં જાય છે, અને પાણીના નિકાલની સમસ્યા સર્જાય છે. અમદાવાદમાં રોજના અંદાજે 5-6 લાખ પાણીના પાઉચનું વેચાણ થાય છે.

લાઈસન્સ વગરની કંપનીઓ પાણીના પાઉચ બનાવીને વેચી રહી છે. આવી કંપનીઓ હલકા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે, જે માનવીના આરોગ્યને નુકશાનકારક છે.