સાગરયાત્રાનું સૌથી અઘરું ચરણ પાર કરનાર મહિલા નેવી અધિકારીઓને મોદીના અભિનંદન

0
2886

નવી દિલ્હી – સમુદ્ર માર્ગે દુનિયાની પરિક્રમાની અત્યંત કઠિન એવી સાહસયાત્રા – ‘નાવિકા સાગર પરિક્રમા’ પર નીકળેલી ભારતીય નૌકાદળની 6 મહિલા ઓફિસરોએ આજે એમની આ યાત્રા અંતર્ગત સૌથી અઘરું ચરણ સફળતાપૂર્વક પાર કર્યું છે.

‘આઈએનએસ તારિણી’ જહાજ પર સવાર થયેલી આ મહિલા અધિકારીઓએ દક્ષિણ અમેરિકામાં આવેલા કેપ હોર્ન પોઈન્ટની આસપાસ ચક્કર લગાવ્યું હતું અને ત્યાં ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. એમણે આ ચરણને આજે સવારે 6.00 વાગે કલાકના 70 કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન વચ્ચે પાર કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ મહિલા ઓફિસરોને અભિનંદન આપ્યા છે અને કહ્યું છે કે એમણે દેશનું ગૌરવ વધાર્યું છે.

ભારતીય નૌકાદળની આ સાહસિક મહિલા અધિકારીઓ એમનાં આ સૌ પ્રથમ સાહસ – ‘નાવિકા સાગર પરિક્રમા’ માટે 2017ની 10 સપ્ટેમ્બરે માંડવી બોટ પુલ, ગોવા ખાતેથી રવાના થઈ હતી.

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે એમની બોટ આઈએનએસવી ‘તારિણી’ને લીલી ઝંડી બતાવીને સાહસિક મહિલા અધિકારીઓની સમુદ્ર સફરને શરૂ કરાવી હતી. આઈએનએસવી ‘તારિણી’ ભારતમાં નિર્મિત ઈન્ટરનેશનલ જહાજ છે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘Make in India’ સૂત્રને દુનિયા સમક્ષ સાર્થક કરે છે.


‘નાવિકા સાગર પરિક્રમા’નું નેતૃત્વ લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીએ લીધું છે. એમની સાથે અન્ય ક્રૂ મેમ્બર્સ – લેફ. કમાન્ડર પ્રતિભા જામવાલ, પી. સ્વાતિ, એસ. વિજ્યા દેવી, બી. ઐશ્વર્યા, અને પાયલ ગુપ્તા વગેરેનો સમાવેશ થાય છે.