નાફેડ વધુ 4 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી કરે તે માટે મંજૂરી મંગાઈ

ગાંધીનગર- રાજ્યમાં મગફળીના થયેલ મબલખ ઉત્પાદન સંદર્ભે ગુજરાત સરકારે લાભપાંચમથી જ નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. મગફળીની આવક વધુ હોવાથી નાફેડ દ્વારા વધારાની ૪ લાખ મેટ્રીક ટન મગફળી ટેકાના ભાવે ખરીદાય તે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારમાં દરખાસ્‍ત કરી તે સત્વરે મંજૂર થશે. તેમ ખેતી નિયામક ભરતભાઇ મોદીએ જણાવ્યું હતું.

૧૩૭ કેન્દ્રો કે જે એપીએમસીની અંદર કાર્યરત છે તેના પરથી મગફળી ખરીદી ચાલુ જ છે. કૃષિ નિયામકે જણાવ્યું કે, રાજ્ય સરકાર ગુણવત્તાયુકત મગફળી ખરીદી કરવા પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારને મગફળીની ખરીદીની ગુણવત્તા બાબતે કોઇ પણ ફરિયાદ-રજૂઆત મળશે તો તેની પૂરતી તપાસ કરવામાં આવશે. રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદીની વિગતો આપતાં કહ્યું કે, અત્યાર સુધી રૂા.૩,૪૯૫ કરોડની ૩૮૮.૪૦ લાખ મણ એટલે કે ૭.૭૬ લાખ મે.ટનની ખરીદી થઇ છે, જેનો ૪,૦૧,૧૮૭  ખેડૂતોએ લાભ લીધો છે. આજ સુધીમાં નોડલ એજન્સીઓ દ્વારા રૂા.૨૫૮૪.૭૦ કરોડની ચૂકવણી સીધી જ ખેડૂતોના એકાઉન્ટમાં કરી દેવાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે નક્કી કરેલ ટેકાનો ભાવ રૂા.૪૪૫૦/-ક્વિન્ટલ દીઠ છે તેના ઉપર રૂા. ૫૦/-નું બોનસ રાજ્ય સરકારે જાહેર કરીને રૂા.૪૫૦૦/-ના ભાવે ખરીદી થઇ રહી છે. હાલ બજાર ભાવ રૂા.૩૫૦૦થી ૩૬૦૦ ચાલી રહ્યો છે એટલે કે બજારભાવ કરતાં વધુ ભાવે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી રહી છે.