રેલવે પ્રવાસીઓએ ચૂકવવો પડશે એસી વેઈટિંગ રુમનો ચાર્જ, શરુઆત દિલ્હીથી

નવી દિલ્હી- નવી દિલ્હી અને નિઝામુદ્દીન રેલવે સ્ટેશનના એસી વેઈટીંગ રુમમાં ટ્રેનની રાહ જોતા પ્રવાસીઓએ હવે ચાર્જ ચુકવવો પડશે. આપને જણાવી દઈએ કે, દિલ્હી ડિવિઝનમાં આવતા આ બન્ને રેલવે સ્ટેશનના વેઈટીંગ રુમ્સનું પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડેલ અંતર્ગત રિનોવેશન કરવામાં આવશે. જેના માટે 4 કંપનીઓ દ્વારા દરખાસ્ત પણ આપવામાં આવી છે. જે કંપનીની દરખાસ્ત સૌથી સારી હશે તેને રિનોવેશનનું કામ સોંપવામાં આવશે.આ માટે ટેન્ડર ફાળવણીની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, વેઈટીંગ રુમના રિનોવેશનનું કાર્ય આગામી એક-બે મહિનામાં શરુ કરવામાં આવશે. દેશના આ બન્ને રેલવે સ્ટેશનો એવા પ્રથમ સ્ટેશનો બનશે જ્યાં વેઈટીંગ રુમની વ્યવસ્થા ખાનગી કંપની સંભાળશે. આ એક પાયલોટ પ્રોજેક્ટ પણ છે. આ પ્રોજેક્ટની સફળતા બાદ દેશના અન્ય રેલવે સ્ટેશનોમાં પણ  પ્રકારની વ્યવસ્થા લાગૂ કરવામાં આવશે.

આરામદાયક હશે ફર્નિચર

રેલવે અધિકારીઓ દાવો કરી રહ્યાં છે કે, નવા બનનારા વેઈટીંગ રુમની સર્વિસ ખાનગી હોટેલ જેવી હશે. અહીં પ્રવાસીઓને આરામ કરવા માટે સમગ્ર ફર્નિચર બદલવામાં આવશે. આધુનિક ફર્નિચર લગાવવામાં આવશે. મહિલાઓ માટે અલગથી પાર્ટિશન કરવામાં આવશે અને બેબી કેર રુમ પણ બનાવવામાં આવશે.

વેઈટીંગ રુમમાં કાફેટેરિયા બનાવવામાં આવશે. દર 30 મિનિટે શૌચાલયોની સફાઈ કરવામાં આવશે. રુમ ફ્રેશનરનો પણ ઉપયોગ કરવામાં આવશે. સત્તાવાર સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, વેઈટીંગ રુમમાં પ્રવાસીઓને રોકાવા માટે ચાર્જ લેવામાં આવશે પરંતુ ચાર્જ કેટલો રાખવામાં આવશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. જોકે મળતી માહિતી મુજબ ચાર્જ ઘણો ઓછો રાખવામાં આવશે.