J&K: એન્કાઉન્ટરમાં ઠાર સ્થાનિક આતંકીઓના જનાજા પર રોક લગાવવાની તૈયારી

શ્રીનગર- જમ્મુ અને કશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ કરાયા બાદ હવે સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓના અેન્કાઉન્ટર બાદ તેને જાતે જ દફનાવવાનું નક્કી કર્યું છે. કશ્મીર ખીણમાં આતંકવાદીઓ સાથે સ્થાનિક યુવાનોને જોડાવા રોકવા માટે ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ સુરક્ષા એજન્સીઓએ કશ્મીર ખીણમાં આતંકવાદીઓના જનાજા પર રોક લગાવવા માટે હવે એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આતંકીઓને જાતે જ દફન કરવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક યુવાઓને આતંકવાદમાં જોડાતા અટકાવવા માટે ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભૂતકાળ તપાસવામાં આવે તો ખ્યાલ આવશે તે, કશ્મીરમાં આ પહેલા પણ અનેકવાર આતંકીઓના જનાજામાં મોસ્ટ વોન્ટેડ કમાન્ડરોના સામેલ થયાના સમાચારો મળતા રહ્યા છે. ઉપરાંત સ્થાનિક યુવાઓ પણ આતંકી સંગઠનોમાં જોડાતા રહ્યાની વાત સામે આવતી રહી છે. આતંકીઓના મૃતદેહને IS અને પાકિસ્તાની ઝંડામાં લપેટીને દફનાવવાની પણ અનેક તસવીરો સામે આવતી રહી છે. ત્યારબાદ એ માગ ઉઠી છે કે, સાર્વજનીક રુપે નીકળતા આવા જનાજા પર રોક લગાવવામાં આવે.

ભૂતકાળમાં રાજ્યના ડીજીપી એસ.પી. વૈદે પણ જણાવ્યું હતું કે, જનાજામાં ભેગી થનારી ભીડને રોકવા પોલીસ કેટલીક વ્યૂહરચનાઓ નક્કી કરી રહી છે. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી શકાય. માનવામાં આવી રહ્યું છે કે, હવે આતંકીઓના મૃતદેહને જાતે દફનાવવાનો નિર્ણય આ વ્યૂહરચનાનો એક ભાગ છે.

આવી પરિસ્થિતિઓમાં હવે જમ્મુ-કશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ કરાયા બાદ એજન્સીઓએ સ્થાનિક આતંકીઓના જનાજા પર રોક લગાવવાનું કામ શરુ કર્યું છે. કશ્મીર ઘાટીમાં વિદેશી આતંકવાદીઓના જનાજા પર પહેલેથી જ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. આશરે અઢી વર્ષ પહેલા લશ્કરના સ્થાનિક કમાંડર અબુ કાસિમના જનાજા બાદથી જ વિદેશી આતંકીઓના મૃતદેહને 3-4 સ્થાનિક લોકોની હાજરીમાં દફન કરવામાં આવે છે.

હવે સ્થાનિક આતંકીઓના મૃતદેહને પણ આજ રીતે દફનાવવાનું કાર્ય શરુ કરવામાં આવશે. ગતરોજ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદી જાહેર કરાયા બાદ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આતંકીઓના મૃતદેહને તેમના પરિવારને નહીં સોંપવાનો નિર્ણય પણ આ દિશામાં પ્રથમ પગલું માનવામાં આવે છે. અને આગામી દિવસોમાં આ અંગે હજી વધુ કડક નિર્ણયો લેવામાં આવી શકે છે.