સિંહ, કન્યા અને તુલા રાશિઃ કેટલીક રસપ્રદ ‘ઓર’ વાતો

નુષ્યના જીવનની શરુઆત હું કોણ? એ પ્રશ્નથી થાય છે, માટે રાશિઓના ચક્રમાં પહેલાં મેષ રાશિની વાત આવે છે, હું કોણ? એ મેષ રાશિનો વિષય છે. આ હુંને સંતોષવા શરીર, મિલકત અને પરિવાર જોઈએ એટલે વૃષભ રાશિના આ ગુણો હોઈ, બીજા ક્રમે વૃષભ રાશિની વાત આવી. શરીર, મિલકત અને પરિવાર મળ્યાં પછી મારે પોતાને‘વ્યક્ત’ કરવો પડશે એટલે વ્યકત કરવા માટે બુદ્ધિની રાશિની જરૂર છે. માટે મિથુન રાશિ તૃતીય ક્રમે આવી. મકાન અને બીજાને સંભાળવા માટેની જે ઈચ્છા છે, તેની માટે ચોથા ક્રમે કર્ક રાશિની વાત આવી. પોતાનું હુનર અને અભ્યાસ બહારની દુનિયામાં દેખાય એ માટે પાંચમા ક્રમે સિંહ રાશિ આવી. ઘર અને સમાજમાં સ્થાન મળ્યાં પછી તેની પાછળ જીવન ગોઠવાઈ જાય છે, એટલે રોજબરોજના કાર્યો અને સેવાની વાત પણ આવશે, એટલે છઠે ક્રમે કન્યા રાશિ આવી.જીવનને સંપૂર્ણ કરવા માટે સફરમાં અડધે રસ્તે જીવનસાથીની જરૂર પડશે એટલે તુલા રાશિ સપ્તમ ક્રમે આવી. આઠમા ક્રમે આવતી વૃશ્ચિક રાશિ કામ-ભાવ અને નવું સર્જન બતાવે છે. ધન રાશિનો સ્વભાવ શોધખોળ અને પોતાને સાબિત કરવાનો છે. કશુંક મળ્યા પછી સત્તા હાથમાં આવે છે, કર્મ બંધાવાની શરૂઆત થાય છે માટે દસમાં ક્રમે મકર રાશિ આવી. સત્તા હાથમાં આવ્યા પછી સમાજ અને મિત્રો તમારી પાસે દોડતાં આવે છે, માટે અગિયારમાં ક્રમે તેમને રજૂ કરતી કુંભ રાશિની વાત આવી. જીવનના બધા અનુભવ લીધા પછી છેલ્લે આત્માની અરજ અજ્ઞાતમાં ભળીને મોક્ષ પામવાની હોય છે, માટે બારમાં ભાવે મીન રાશિ આવી. આમ બારેય રાશિઓ મનુષ્ય જીવનનો દરેક અનુભવ આવરી લે છે. ગતાંકમાં આપણે મેષથી કર્કની વાત કરી હતી, આજે સિંહથી તુલા રાશિની કેટલીક ખાસિયતો આલેખવા પ્રયત્ન કર્યો છે. રાશિઓની કેટલીક રસપ્રદ ‘ઓર’ વાતો નીચે મુજબ છે:

સિંહ

સિંહ રાશિના જાતકો દમખમવાળાં હોય છે. તેઓ કુદરતી આગેવાન હોય છે. તેઓ જન્મજાત રાજા હોય છે. તેમની મરજી તેમની માટે ખૂબ મહત્વની છે. તેઓને સસ્તી વાતો કે વસ્તુઓ પસંદ પડતી નથી. તેઓની કોઈ મજાક કરે તો તેને જાહેરમાં તેઓ ધમકી આપી શકે છે. કોઈ કંપનીનો વડો સિંહ રાશિનો હોય તો તે કંપનીને ખૂબ આસાનીથી ચલાવી શકે છે, દરેક કાર્યકર્તા તેનો હુકમ તરત ઝીલે છે. આ રાશિના જાતકોમાં કળા અને પોતાને વ્યક્ત કરવાની ઉમદા આવડત હોય છે. આ રાશિના જાતકો અચૂક રીતે પ્રેમ કરે છે, અને તેમની પસંદ ખૂબ ઊંચી હોય છે. બીજી બધી રાશિઓને જ્યાં ખર્ચ નડે, ત્યાં આ રાશિના જાતકો આરામથી પોતાનું બજેટ ફાળવી શકે છે. તેમના ગુસ્સા અને ધમકી પાછળ એક નરમ દિલનો શુરવીર છૂપાયેલો હોય છે, જો તમે તેમની એકવાર માફી માગો તો તમે એમને જીતી લેશો. પછી એ તમારા રક્ષક બની જશે તેમાં નવાઈ નથી.

 

કન્યા

કન્યા રાશિમાં એક કાર્યકર્તા તરીકેના ઉત્તમ ગુણો છે, તેઓ જન્મજાત સફળ કર્મચારી છે.આ રાશિનો જીવનસાથી ઉત્તમ હોઈ શકે, તમને ખરેખર મદદરૂપ થાય તેવા લોકોમાં આ રાશિના વ્યક્તિઓ ચોક્કસ હશે, તેઓ નાની કે મોટી મદદમાં પણ ખચકાતાં નથી. આ રાશિના જાતકો ક્યારેય ખોટી રીતે કોઈની સાથે લડતાં નથી. માનવ જીવનને તેઓ ઉત્તમ રીતે સમજે છે.તેમનો કોઈની માટે ઝગડો પણ માનવીય અભિગમથી ભરપુર હશે. કન્યા રાશિના જાતકો હિસાબકિતાબના શોખીન હોય છે. તેઓ માહિતી અને ગણિતને ચાહે છે, પણ ઘણીવાર તેઓ તેમના ગણિતને પકડી રાખે છે. એટલે કે તેઓને કોઈ તેમના કામમાં ફેરફાર કરાવે તે પસંદ નથી, બલકે તેઓ કોઈ પણ કાર્યને નાનું પણ નથી સમજતાં. આ રાશિના જાતકો ડોક્ટર પાસે સામાન્યથી વધુ વાર જાય છે, નાના અમથા રોગમાં પણ તેઓ ડોક્ટર પાસે દોડી જાય છે. તેની પાછળ તેમનો ચીવટવાળો સ્વભાવ જવાબદાર છે. કન્યા રાશિના જાતકોએ વર્ષમાં થોડા દિવસ પોતાના કામને ભૂલવું જોઈએ.

 

તુલા

તુલા રાશિના જાતકો તમને સમજે છે પણ તમે તેઓને કદાચ સમજી ન શકો તેવું બને તેની શક્યતાઓ વધુ છે. તેમની‘પૈસા અને વ્યવસાય’ વિશેની સમજનું શું કહેવું? તેઓ જેટલો ઉત્તમ વ્યવસાય બીજી રાશિના જાતકો નથી કરી શકતા. તુલા રાશિના જાતકો પાસેથી આર્થિક બાબતોમાં સલાહ લઇ શકાય. તેઓ અન્ય લોકો સાથે માપનો સંબંધ અને માપની વાતો કરે છે, તેઓનો સ્વભાવ એક દાયરામાં ખીલે છે. તેઓ બધી પ્રકારના લોકોને મળી શકે છે. તેઓ અલગ અલગ લોકો સાથે અલગ અલગ રીતે પણ કોઈ ખચકાટ વિના વાત કરી શકે છે. તેઓ બધી વાતમાં હા પાડે છે, તે તેમની માટે તકલીફ સર્જે છે. આ રાશિના જાતકો સામેવાળા સાથે ગમે તેવી તકરારમાં પણ શાંતિથી વાત કરી શકે છે. તેઓ મુસીબતોને બહુ ગણકારતા નથી. તેમની પાસે તેમની બુદ્ધિ અને બીજો રસ્તો હાજર જ હોય છે. પ્રેમ જીવનમાં સફળ હોવા છતાં તેઓ ક્યારેય લાગણીવેડા કરતાં નથી. અન્ય લોકો તેમના વિષે જાહેરમાં ઉલ્લેખ કરે, તે તેમને પસંદ નથી.