પ્રદૂષણ રોકવાના તમામ ઉપાયો પાણીમાં, દિલ્હીમાં આજે પણ આ સ્થિતિ

નવી દિલ્હી- પ્રદૂષણ વધવાની આશંકાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અનેક પગલા લેવામાં આવ્યાં છે. તેમ છતાં દિલ્હીમાં હવાની ગુણવત્તા શુક્રવારે પણ ખરાબ માપવામાં આવી હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંતેરણ બોર્ડના આંકડાઓ મુજબ દિલ્હીની હવાની ગુણવત્તા 368 નોંધાઈ હતી. જે ખુબ જ ભયજનક સ્થિતિમાં આવે છે.પીએમ 2.5નું સ્તર 210 નોંધાયું હતું. આ રજકણો પીએમ 10થી પણ સુક્ષ્મ હોય છે અને સ્વાસ્થ્ય માટે ઘણા હાનિકારક હોય છે. આંકડાઓ મુજબ દિલ્હીના ચાર વિસ્તારમાં વાયુ ગુણવત્તા ગંભીર સ્તરે છે. જ્યારે 29 વિસ્તારોમાં હવાની ગુણવત્તા અતિ ગંભીર નોંધાઈ છે. કેન્દ્ર દ્વારા સંચાલિત વાયુ ગુણવત્તા પૂર્વાનુમાન અને અનુસંધાન પ્રણાલીના આંકડાઓ મુજબ દિલ્હીમાં પીએમ 10નું સ્તર 333 નોંધાયું છે.

સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગના જણાવ્યા મુજબ દિલ્હી-એનસીઆરની હવાનો ગુણવત્તા ઈન્ડેક્સ આગામી ત્રણ દિવસ સુધી અત્યંત ખરાબ કેટેગરીમાં રહેશે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગની વેબસાઇટ અનુસાર આમ થવાનું મુખ્ય કારણ હવામાનના સંજોગોને કારણે છે. કારણકે પરાલી સળગવાથી હવાને થતું નુકસાન આમાં ઘણું ઓછું છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ 4 નવેમ્બર સુધી યથાવત રહેશે. જેના લીધે વાતાવરણમાં પીએમ 2.5ની ક્ષમતા પણ વધશે.