TMCએ અમિત શાહને પત્ર લખી કહ્યું: સત્તા હાંસલ કરવા માટે BJPનું ષડયંત્ર

0
1007

નવી દિલ્હી– પશ્ચિમ બંગાળમાં હિંસાને લઈને તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તણાવ વધી રહ્યો છે. બશીરહાટમાં પાંચ લોકોની કથિત હત્યા પછી મૃતકોના શરીરને રવિવારે ભાજપ કાર્યાલય લઈ જવામાં આવી રહ્યાં હતા ત્યારે પોલીસે અટકાયત કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યમાં ફેલાયેલી હિંસાને મમતા બેનર્જી સરકારની અસફળતા ગણાવતા રિપોર્ટ માગ્યો છે.

આ સાથે જ અમિત શાહે દોષી લોકો અને જવાબદાર પોલીસ ઓફિસરો પર કાર્યવાહી કરવા કહ્યું છે. રાજ્ય સરકારે આને કેન્દ્ર સરકારની બિનજરૂરી દખલગીરી ગણાવી.

ભાજપના કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં ભાજપે સોમવારે 12 કલાકનું બંધ પાડવાનું એલાન કર્યું છે. ભાજપે સોમવારને કાળા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. વશીરહાટમાં થયેલી હિંસામાં બંન્ને પક્ષોના કુલ ત્રણ લોકોની હત્યા થઈ છે. તૃણમૂલ કોંગ્રેસે ગૃહપ્રધાન અમિતશાહને પત્ર લખીને કહ્યું કે, પશ્ચિમ બંગાળને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું પરામર્શ રાજનીતિથી પ્રેરિત, સત્તા હાંસલ કરવા માટે ભાજપનું ષડયંત્ર છે.

મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી અને ત્યાર બાદ રાજ્યમાં કેટલાક તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે. ગત 8 જૂને પરગના જિલ્લાના ભાંગીપાડામાં થયેલી હિંસા બાદ ભાજપનો દાવો છે કે તેમના પાંચ સમર્થકોના મોત થયાં છે અને અનેક કાર્યકર્તાઓ લાપતા છે. તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે, તેમના 6 કાર્યકર્તાઓ ગૂમ છે. પોલીસ ગૂમ થયેલા લોકોની તપાસ કરી રહી છે.

બંગાળમાં ચાલી રહેલી હિંસા અંગે ચર્ચા કરવા માટે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠી આજે વડાપ્રધાન અને ગૃહપ્રધાન સાથે મુલાકાત કરશે. જેમાં રાજ્યામાં હાલની સ્થિતિ અંગે ચર્ચા થશે.