ભારત-અમેરિકા વચ્ચે મહત્ત્વનો કરાર થયો; ભારતને હવે અમેરિકાની લેટેસ્ટ મિલિટરી ટેક્નોલોજી મળશે

નવી દિલ્હી – ભારત અને અમેરિકા વચ્ચે અહીં 2+2 મંત્રણા થઈ છે. ભારતની યાત્રા પર આવેલા અમેરિકાના સંરક્ષણ પ્રધાન જિમ મેટિસ અને વિદેશ પ્રધાન માઈક પોમ્પીઓ સંરક્ષણ પ્રધાન અહીં નિર્મલા સીતારામન અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ સાથે મંત્રણા કરી હતી.

આ મંત્રણાને પગલે બંને દેશ વચ્ચે લશ્કરી સ્તરે સંદેશવ્યવહાર ક્ષેત્રમાં આદાનપ્રદાન માટેના કરાર પર સહીસિક્કા કર્યા છે.

આ કરારને લીધે ભારતને અમેરિકામાંથી અદ્યતન ટેક્નોલોજીઝ પ્રાપ્ત થઈ શકશે.

સુષમા સ્વરાજે કહ્યું છે કે ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG)માં ભારતનો સમાવેશ કરાવવા માટે અમેરિકા સહમત થયું છે.

વિશ્વના આ બે સૌથી મોટા લોકતાંત્રિક દેશ વચ્ચે કમ્યુનિકેશન્સ કમ્પેટિબિલિટી એન્ડ સિક્યુરિટી એગ્રીમેન્ટ (COMCASA) પર સહીસિક્કા કરવામાં આવે એની લાંબા સમયથી રાહ જોવાતી હતી.

આ કરાર અંતર્ગત અમેરિકાનું લશ્કર ભારતીય લશ્કરને મહત્ત્વની સંરક્ષણ ટેક્નોલોજી પૂરી પાડશે. તદુપરાંત, અમેરિકાની વધુ સંવેદનશીલ લશ્કરી સામગ્રી ભારતને વેચવાનો માર્ગ પણ મોકળો થશે.