કેજરીવાલે ચીન સરકારની કેમેરા કંપનીને દિલ્હી પર નજર રાખવાનો પરવાનો આપ્યો?

નવી દિલ્હી- આમ આદમી પાર્ટીએ રાજધાની દિલ્હીમાં ચીની કંપની હિકવિઝનના 1.5 લાખ સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહી છે. કેજરીવાલની સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં કેમેરા લગાવવાનો કોન્ટ્રાક્ટ સરકારી કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)ને આપ્યો છે. સરકારના આ પ્રોજેક્ટ પર સવાલો ઉઠી રહ્યાં છે કે, ચીની કંપની કેમેરા લગાવીને દેશની સુરક્ષા સાથે સમજૂતી તો નથી થઈ રહી ને? શું આ રાજધાનીમાં ‘ડ્રેગન’ (ચીન) તરફથી જાસૂસીનો તો પ્લાન તો નથી ને?

મીડિયા રિપોર્ટ અનુસાર હિકવિઝન બદનામ કંપની છે. આ કંપનીના કેમેરા પર અમેરિકામાં પ્રતિબંધ છે. બ્રિટનમાં પણ આ કંપનીના કેમેરા પર સવાલો ઉઠી રહ્યાં છે. હિકવિઝન કંપની ચાઈના સરકારની માલિકીની છે. આ જાણકારી કંપનીના વાર્ષિક રિપોર્ટ પરથી સામે આવી છે. કંપનીના કન્ટ્રોલિંગ શેરહોલ્ડર્સના રૂપમાં ચાઈના સરકારનું નામ સામે આવ્યું છે.

તમામ નિયમોનું કર્યું પાલન:

આ કેમેરા અંગે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું કે, અમે બીઈએલને સીસીટીવી કેમેરા લગાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ કેમેરા દિલ્હી મેટ્રો ટ્રેનમાં પણ લાગેલાં છે. જો કેમેરા પર પ્રતિબંધ હોય તો દિલ્હી મેટ્રોમાં કેમ લગાવેલા છે. અમે આ માટે ઓછી કિંમત ખર્ચ કરી છે અને તમામ નિયમોનું ચૂસ્તપણે પાલન કર્યું છે.

નીતિ આયોગે ઉઠાવ્યાં સવાલો

આ પહેલાં નીતિ આયોગ તરફથી ચીની કંપનીના કેમેરા લગાવવા મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. નીતિ આયોગની બેઠકમાં ટેક્નિકલ ઈક્વિપમેન્ટ મેન્યુફેકચર્સ એસોસિએશનના પ્રતિનિધિઓએ કહ્યું હતું કે, અમેરિકામાં આ કેમેરા પર પ્રતિબંધ છે.

આ પ્રકારના કેમેરા લગાવવાથી બચવાની જરૂર

રેલવે બોર્ડ પણ આ કંપનીના કેમેરા લગાવવાનું ટેન્ડર આપનાર હતું, પરંતુ ત્યાર બાદ નીતિ આયોગે રેલવે બોર્ડને એક ભલામણ કરી હતી. જેમાં કહ્યું હતું કે, ટીઈએમએની ભલામણો પર ધ્યાન આપવાની જરૂર છે. આવી કંપનીના સીસીટીવી કેમેરા લગાવાથી બચવાની જરૂર છે, કારણ કે આનાથી જાસૂસીની આશંકા ઉભી થાય છે.

કેમેરામાં બેકડોર સિસ્ટમનો આરોપ

હકીકતમાં આરોપ છે કે, ચીનની હિકવિઝન કંપનીના કેમેરામાં બેકડોર એન્ટ્રી સિસ્ટમ છે. એટલે કે, સીસીટીવી દ્વારા કેપ્ચર થતી તસવીરોને કેમેરાનું નિર્માણ કરનારી કંપની પ્રાપ્ત કરી શકે છે. રિપોર્ટ અનુસાર ચીન તેમને ત્યાં 20 કરોડથી વધુ સીસીટીવી કેમેરા લગાવી ચૂકી છે. જેથી દેશમાં એક પ્રકારનું વિડિયો સર્વેલાન્સ નેટવર્ક તૈયાર થઈ ગયું છે, જેની મારફતે દેશના દરેક વ્યક્તિની ગતિવિધિઓ પર નજર રાખી શકાય તેમ છે. એટલું જ નહીં ચીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સવાળા કેમેરા પણ લગાવ્યાં છે.