મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મોંઘેરું મામેરું, લાખેણાં મામેરાંના દર્શન…

અમદાવાદ: આગામી અષાઢી બીજના દિવસે એટલે કે 4 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા નિકળશે, જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અત્યારે ભગવાન મોસાળમાં મહેમાનગતિ માણી રહ્યા છે અને ભક્તો તેમને લાડ લડાવી રહ્યા છે. ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં ભગવાનનું મામેરું દર્શનાર્થ મુકવામાં આવ્યું છે. જેઠ વદ એકાદશીના આજના દિવસે મામેરાનાં દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટ્યાં છે.

ભગવાન અષાઢી બીજે રથ પર આરૂઢ થઈ જગન્નાથ મંદિરથી મોસાળ આવશે. જ્યાં તેમને મામેરું અર્પણ કરવામાં આવશે.. મામેરામાં ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્રને વાઘા, સોનાનો ઢોળ ચડાવેલો દોઢ કિલોનો હાર, સોનાની ૩ વીંટી, દોરા ચડાવશે.

જ્યારે બહેન સુભદ્રાને ચુની, બુટ્ટી, નથણી, પાયલ, સોના ચાંદીના અન્ય દાગીના, સાડી, પાર્વતી શણગારની વસ્તુઓ આપવામાં આવશે.

મામેરું રથયાત્રામાં વિશેષ મહત્વ ધરાવે છે. ભગવાનનુ મામેરું કરવા માટે  ભક્તો વર્ષો સુધી રાહ જૂએ છે. હાલ મામેરું કરવા માટે અંદાજે 18 વર્ષનું વેઈટિંગ ચાલી રહ્યું છે.

મામેરું અર્પણ કરવા ઉત્સુક ભક્તો વર્ષો પહેલા બૂકિંગ કરાવે છે અને વર્ષો સુધી રાહ જોયા બાદ તેમને મામેરું અર્પણ કરવાની દુર્લભ તક મળે છે. ત્યારે મામેરું અર્પણ કરનારા ભક્તો ધન્યના અનુભવે છે. જ્યારે કે લાખેણાના મામેરાના દર્શન કરી ભક્તો પણ ધન્ય થઈ જાય છે..