લાઈવ ઓવરહેડ વાયર તૂટ્યો, મુંબઈમાં હાર્બર લાઈનની ટ્રેન સેવા ખોરવાઈ

મુંબઈ – મધ્ય રેલવે વિભાગ પરના હાર્બર લાઈનવાળા ઉપનગરોમાં રહેતા અને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરનારાઓની મુશ્કેલીઓનો કોઈ અંત નથી. ૭૨-કલાકનો મેગાબ્લોક ગઈ કાલે રાતે સમાપ્ત થઈ ગયો હતો, પણ આજે પરિસ્થિતિ રાબેતા મુજબની થવાને બદલે વધારે વણસી હતી.

બેલાપુર સ્ટેશન ખાતે ટ્રેનના પેન્ટાગ્રાફ પરનો એક ઓવરહેડ વાયર તૂટીને ટ્રેનના ડબ્બા પર પડતાં હાર્બર રેલવે લાઈન પર ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. આ અકસ્માત સવારે ધસારાના સમયે થયો હતો. એને કારણે પ્રવાસીઓએ ગભરાઈને ટ્રેનમાંથી છલાંગ લગાવી હતી. એને કારણે ચાર-પાંચ પ્રવાસી ઘાયલ થયા હતા. પ્રવાસીઓને માથેથી ઘાત ગઈ હતી, તેઓ આબાદ બચી ગયા હતા, કારણ કે વાયર પડવાથી ડબ્બાને આગ પણ લાગી શકી હોત કે પ્રવાસીઓને કરન્ટ પણ લાગી શક્યો હોત.

અપ અને ડાઉન, બંને દિશામાં લોકલ ટ્રેનો આ ટેકનિકલ ખામીને કારણે અટકી ગઈ હતી.

હાર્બર લાઈન પર મુંબઈ સીએસએમટીથી નેરુળ રૂટ પર છેક એક અઠવાડિયે ટ્રેન સેવા હજી આજે તો ફરી શરૂ થઈ હતી ત્યાં પહેલા જ દિવસે ઓવરહેડ વાયર તૂટવાની સમસ્યા સર્જાઈ. પરિણામે રેલવેપ્રવાસીઓ ખૂબ હાડમારી ભોગવી રહ્યા છે.

ટ્રેનો સ્ટેશનોની વચ્ચે જ અટકી જતાં લોકોને પાટા પર ઉતરવાની ફરજ પડી હતી.

હાર્બર રેલવે પર નવી મુંબઈને ઉરણ સાથે જોડતા સીવૂડ્સ-ઉરણ રેલવે રૂટ પર પાટા નાખવાનું કામ ચાલતું હોવાને કારણે ચાર દિવસનો મેગાબ્લોક લાગુ કરવામાં આવ્યો હતો. મંગળવારે સવારે એ મેગાબ્લોક આજે સવારે પૂરો થયો હતો, પણ સવારે પ્રવાસીઓ ઓચિંતા સપડાઈ ગયા હતા. પ્રવાસીઓને આશા હતી કે આજે તેઓ આજથી રાબેતા મુજબ એમના કામ-ધંધે જઈ શકશે, પણ બેલાપુર સ્ટેશને ઓવરહેડ વાયર તૂટ્યો અને ટ્રેનો અટકી ગઈ. આ રૂટ પર વાશીથી પનવેલ રૂટનો ટ્રેન વ્યવહાર થંભી ગયો હતો. સેવા રાબેતા મુજબની કરવાનું કામ રેલવેતંત્ર દ્વારા પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું હતું.