ગણપતિની વિદાય: મહારાષ્ટ્રમાં મૂર્તિ વિસર્જન વખતે 11 જણ ડૂબી ગયા

મુંબઈ – મહારાષ્ટ્રભરમાં ગણેશભક્તોએ ગઈ કાલે રવિવારે પરંપરાગત શ્રદ્ધા સાથે ગણેશ વિસર્જન પર્વની ઉજવણી કરી અને ધામધૂમપૂર્વક ગણપતિ બાપાને વિદાય આપી, પણ રાજ્યમાં કેટલાક કમનસીબ બનાવ બન્યા છે જેમાં જુદા જુદા ભાગોમાં વિસર્જન કરતી વેળા 11 જણ ડૂબી ગયા છે.

ગણેશ વિસર્જન નિમિત્તે ગણપતિની મૂર્તિઓનું દરિયામાં, તળાવોમાં, નદીઓમાં, સરોવરોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રના પોલીસ વડાના કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ, રાયગડ અને જાલના જિલ્લામાં ત્રણ-ત્રણ જણ ડૂબી ગયાની ઘટના નોંધાઈ છે જ્યારે સતારા અને ભંડારામાં બે-બે જણ જ્યારે પિંપરી-ચિંચવડમાં એક જણ ડૂબી ગયાના કિસ્સા બન્યા છે. આ બનાવ ગઈ કાલે રાતે 10 વાગ્યા સુધીમાં નોંધાયા હતા.

સદ્દભાગ્યે, મુંબઈમાં મહાનગરપાલિકા અને પોલીસતંત્રએ કરેલી જડબેસલાક વ્યવસ્થાને કારણે એવો કોઈ દુખદ બનાવ બન્યો નથી.

કુદરતી નદી, તળાવોમાં ગંદકી અને પ્રદૂષણને રોકવા માટે મોટા ભાગના શહેરોમાં મહાનગરપાલિકાઓએ કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરી હતી, જેમાં લોકોએ ઘરેલુ ગણેશ ઉત્સવ માટેની ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવાનું પસંદ કર્યું હતું.

જાલના શહેરમાં ક્રેનનું હૂક તૂટી જતાં ચારેય જણ ડૂબી ગયા…