અમેરિકી વિદેશપ્રધાને કર્યા ભારતના વખાણ, ચીન-પાક.ને લગાવી ફટકાર

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો સૌહાર્દપૂર્ણ થઈ રહ્યા હોવાના ટ્વીટ બાદ રાજકીય પંડિતોમાં ભારત-અમેરિકાના સંબંધોને લઈને અલગ ચર્ચા શરુ થઈ હતી. જોકે અમેરિકા ફરી એકવાર ભારતને વિશ્વાસમાં લેવા પ્રયાસ કરી રહ્યું છે. દક્ષિણ એશિયાની પોતાની મુલાકાત પહેલાં અમેરિકના વિદેશપ્રધાને ભારત સરકારના વખાણ કર્યા છે.

અમેરિકાએ ભારત સાથે મજબૂત સંબંધોનો હવાલો આપી ચીન અને પાકિસ્તાનની ઘણી આલોચના પણ કરી હતી. અમેરિકના વિદેશપ્રધાને પાકિસ્તાન પર આતંકવાદ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું દબાણ બનાવ્યું છે. બીજી તરફ ચીનને આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમો તોડવા માટે દોષી ગણાવ્યું છે.

અમેરિકાના વિદેશપ્રધાન રેક્સ ટિલરસને દક્ષિણ એશિયાની તેની મુલાકાત પહેલાં ભારતને અમેરિકાનું વિશ્વાસપાત્ર સાથી ગણાવ્યું છે. અને ટિલરસને ભારત સાથે સંબંધો વધુ મજબૂત કરવાની તરફેણ કરી છે. અમેરિકન વિદેશપ્રધાને કહ્યું કે, અમેરિકા અને ભારત સુરક્ષા, મુક્ત વ્યાપાર અને આતંકવાદ સામેની લડાઈમાં સહયોગ અંગે કામ કરી રહ્યાં છે. સાઉથા ચાઇના સી મુદ્દે ટિલરસને કહ્યું કે, ચીને પોતાના આક્રમક પગલાંથી એ આંતરરાષ્ટ્રીય નિયમો અને મૂલ્યોને પડકાર આપ્યો છે જેનું અમેરિકા અને ભારત બંને દેશો સમ્માન કરે છે.

વધુમાં ટિલરસને જણાવ્યું કે, ભારતમાં 500 અમેરિકન કંપનીઓ કાર્યરત છે. બેંગલુરુ અને સિલિકોન વેલીની વચ્ચે ટેકનોલોજી અને વિચારોના આદાન-પ્રદાનથી દુનિયામાં બદલાવ આવી રહ્યો છે. ટિલરસને એમ પણ જણાવ્યું કે, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થાયિત્વ માટે ભારત સાથે સહયોગને વધુ આગળ વધારવાની જરૂર છે. છેલ્લાં દાયકામાં આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા અને ભારતના સંબંધોમાં વધુ મજબૂતી આવી છે.