ભારત વિરુદ્ધ આતંકી મસૂદે ઝેર ઓક્યું, પાક.માં કશ્મીર અંગે રેલી કરવાનું એલાન

ઈસ્લામાબાદ- પાકિસ્તાન સમર્થિત આતંકી મસૂદ અઝરહ પ્રતિબંધિત આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદના સ્થાપના દિવસે ફરી એકવાર જાહેરમાં દેખાયો હતો. મહત્વનું છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મોનિટરિંગ ટીમ હાલમાં જ પાકિસ્તાનનો બે દિવસનો પ્રવાસ પુરો કરીને પરત ફરી છે.આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં જોડાયેલા નવા સદસ્યોને સંબોધન કરવા મસૂદ અઝહર પાતિસ્તાનના બહાવલપુરમાં એક કાર્યક્રમ દરમિયાન સાર્વજનિક રુપે જોવા મળ્યો હતો. એક ખાનગી ન્યૂઝ ચેનલે તેની પાસે મસૂદની રેલીના વીડિયો ફૂટેજ હોવાનો પણ દાવો કર્યો છે. બહાવલપુરની આ રેલીમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 1 હજારથી વધુ સદસ્યોએ ભાગ લીધો હતો.

આ રેલીમાં મસૂદ અઝહર ઉપરાંત જૈશના અન્ય ટોચના આતંકીઓએ પણ સંબોધન કર્યું હતું. આ રેલીની થીમ કશ્મીર આધારિત રાખવામાં આવી હતી. રેલીને સંબોધન કરતાં મસૂદે જાહેરમાં કહ્યું કે, તે કશ્મીર પ્રત્યે તેનું આક્રમક વલણ યથાવત રાખશે.

આ રેલીમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે તેના કશ્મીર પ્લાન સાથે જોડાયેલા કેલેન્ડરની પણ વહેંચણી કરી હતી. જેમાં જૈશ ચીફના આગામી કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. જે મુજબ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ આગામી સમયમાં પાકિસ્તાનના વિવિધ ભાગમાં કશ્મીરને લઈને રેલીનું આયોજન કરશે.