જેટ એરવેઝની રિયાધ-મુંબઈ ફ્લાઈટ રનવે પર સરકી ગઈ; તમામ પ્રવાસીઓ સુરક્ષિત

0
1044

રિયાધ – સાઉદી અરેબિયાના આ પાટનગર શહેરમાં આજે જેટ એરવેઝની ફ્લાઈટ 9W 523 મુંબઈ આવવા માટે રવાના થઈ હતી, પરંતુ એનો ટેક-ઓફ્ફનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો અને વિમાન રનવે પરથી સરકી ગયું હતું.

સદ્દભાગ્યે એ ઘટનામાં કોઈ પ્રવાસીને ઈજા થઈ નથી. વિમાનને તરત જ ખાલી કરાવવામાં આવ્યું હતું અને બનાવમાં તપાસ યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે.

બોઈંગ 737-800 ફ્લાઈટમાં 142 પ્રવાસીઓ અને સાત ક્રૂ મેમ્બર્સ હતા.

જેટ એરવેઝના સત્તાવાર નિવેદન અનુસાર, તમામ પ્રવાસીઓને એ ઘટના બાદ ટર્મિનલ બિલ્ડિંગમાં જ રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

જેટ એરવેઝે ડીજીસીએને મોકલાવેલા અહેવાલ અનુસાર, વિમાનના પાઈલટને રનવે પર કોઈક વસ્તુ પડેલી દેખાઈ હતી અને તેની સાથે અથડામણ ટાળવા માટે એણે હાર્ડ બ્રેક મારીને વિમાનને આગળ વધતું અચાનક અટકાવી દીધું હતું. આમ, ટેક-ઓફ્ફનો પ્રયાસ નિષ્ફળ જતાં વિમાન સરકીને, પરંતુ રનવેની ઉપલબ્ધ લંબાઈમાં જ અટકી ગયું હતું.