મોદીએ ઈમરાનને ચર્ચા માટે નિમંત્રણ આપ્યું? પાક. વિદેશ પ્રધાનના દાવાને ભારતે નકાર્યો

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં આજે ઈમરાન ખાનની કેબિનેટના પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યાં હતા. શપથ લીધા બાદ પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ પાર્ટીના (PTI) ઉપાધ્યક્ષ શાહ મહમૂદ કુરૈશીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટું નિવેદન આપ્યું છે.પાકિસ્તાનના નવા વિદેશ પ્રધાને દાવો કર્યો છે કે, પીએમ મોદીએ પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન ઈમરાન ખાનને ચર્ચા માટે નિમંત્રણ આપ્યું છે. જો કે, પાકિસ્તાનના વિદેશ પ્રધાનના દાવાને ભારતે નકાર્યો છે. અને જણાવ્યું છે કે, વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાનને પીએમ બનવાની શુભેચ્છા પાઠવતો પત્ર જ લખ્યો છે. તેમાં ચર્ચા માટે કોઈ નિમંત્રણ આપવામાં આવ્યું નથી.

પાકિસ્તાન મીડિયાના અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદે દાવો કર્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને ઈમરાન ખાનને ચર્ચા માટે નિમંત્રણ આપ્યું છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમરાન ખાનને પત્ર લખીને પાકિસ્તાનનાં વડાપ્રધાન બનવાના અભિનંદન આપ્યાં હતા, જેના આધારે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદે ચર્ચા માટે નિમંત્રણ અપાયું હોવાનો દાવો કરી રહ્યાં છે.

ઈસ્લામાબાદમાં શપથ ગ્રહણ સમારોહ બાદ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ પત્રકારોને સંબોધન કરતાં કશ્મીર મુદ્દાને પણ આાવરી લીધો હતો અને પાકિસ્તાનની પરમાણુ તાકાતની પણ વાત કરી હતી. વધુમાં મહમૂદ કુરેશીએ ભારતને આડકતરી ધમકી આપતા જણાવ્યું કે, પાકિસ્તાન સામે દુ:સાહસ કરવાની કોઈની તાકાત નથી.