કેસર કેરીનો રસાસ્વાદ પહેલીવાર માણશે આ એશિયન દેશ

જૂનાગઢ- આપણાં ગુજરાતના જૂનાગઢની કેસર કેરીના રસાસ્વાદ માટે ગુજરાતીને તો કંઇ કહેવાનું નથી, પણ એક એશિયન દેશ એવો છે જેણે કેસર કેરી ચાખી નથી. આ દેશના લોકો તેનો સ્વાદ પહેલીવાર ચાખવાના છે.

સૌરાષ્ટ્રની શાન એવી કેસર કેરીના વિદેશી ચાહકોમાં હવે દક્ષિણ કોરિયાનું નામ ઉમેરાવા જઇ રહ્યું છે. દક્ષિણ કોરિયામાં પહેલીવાર કેસર કેરીની નિકાસ કરવામાં આવનાર છે. ગુજરાતથી નિકાસ કરાનારી કેસર કેરી માટે ક્વોલિટીના માપદંડ પણ દક્ષિણ કોરિયાએ જ નક્કી કર્યાં છે. કોરિયા જનારી કેસર કેરી પસંદ કરવા કોરિયન અધિકારીઓએ કેસર કેરીના ખેડૂતોની મુલાકાત પણ કરી લીધી છે.

કેસર કેરીની કોરિયામાં નિકાસ માટે અમરેલીનું વતની એવું એક પરિવાર નિમિત્ત બન્યું છે જે વરસોથી અમેરિકામાં આ કેરી લઇ જાય છે. તે પરિવારના સંબંધી કોરિયામાં સ્થાયી થયાં છે જેમના દ્વારા દક્ષિણ કોરિયાની સરકારનો કેસર કેરીના એક્સપોર્ટ બિઝનેસ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. જે ફળદાયી નીવડતાં કેરી નિકાસ થઇ રહી છે.

કોરિયન અધિકારીઓની એક ટીમ 4 દિવસ સુધી ગત સપ્તાહમાં ગામડાંમાં ફર્યાં હતાં અને તેમની ડીમાન્ડ પૂર્ણ કરવામાં આવતાં જલદી જ તેઓ કેસર કેરી ખરીદી લેશે. ખાસ તો કોરિયન સરકારના માપદંડ પ્રમાણે કેરી ઓર્ગેનિક હોવી જોઇએ અને તેમના લેબ સ્ટાન્ડર્ડ પ્રમાણેના ટેસ્ટમાંથી પસાર થવી જોઇએ, તથા આંબાને કયું પાણી પીવડાવાય છે, જમીનની ગુણવત્તા વગેરે બાબતોની તપાસ કરી હતી.

દક્ષિણ કોરિયા મોકલવામાં આવનારી કેરીઓને નાશિકમાં ગામા રેડિએશન પ્રોસેસમાં મોકલીને બાદમાં મુંબઇથી નિકાસ કરવામાં આવશે.