મહારાષ્ટ્ર બંધની અસર ગુજરાતમાં જોવા મળી, સૂરતમાં દલિતોના ચક્કાજામ

મુંબઈ– મહારાષ્ટ્રમાં દલિતો અને મરાઠાઓ વચ્ચેના ઘર્ષણ બાદ બુધવારે મહારાષ્ટ્ર બંધનું એલાન હતું, ત્યાં બસ, રેલ અને ઓટોરીક્ષા સેવા બંધ રહી હતી. તેમજ કેટલેક ઠેકાણે તો તોફાનો પણ થયા હતાં. દેખાવકારોએ રોડ પર આવીને દેખાવો કર્યા હતાં, તેના પડઘા ગુજરાતમાં પડ્યા હતાં. મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. કેટલાય મુસાફરો રસ્તા વચ્ચે રઝળી પડ્યા હતા. અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલવે અને બસનો વ્યવહાર બંધ કરી દેવાતા અનેક લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. તેમજ સૂરતમાં દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. અને જાણવા મળ્યા મુજબ ઉધનામાં ચક્કાજામ કરી દેવાયો હતો. જો કે વધુ પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ ખડકી દેવાઈ હતી.સૂરતમાં દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને મહારાષ્ટ્રમાં બનેલી ઘટનાના વિરોધમાં સૂરતના રેલવે સ્ટેશન પર લોકો મોટી સંખ્યામાં એકઠા થયા અને બાબા સાહેબની પ્રતિમા પાસે વિરોધ દર્શાવ્યો હતો. ઉધનામાં લોકો રસ્તા પર સૂઈ જઈને વાહનો અટકાવ્યાં હતાં. અને લોકો દુકાનો પણ બંધ કરાવતા નજરે પડ્યાં હતાં.