જુહી પરમારે સચીન શ્રોફ સાથેના લગ્નજીવનનો અંત લાવી દીધો; દીકરીનો કબજો મેળવ્યો

મુંબઈ – પારિવારિક ટીવી સિરિયલ ‘કૂમકૂમ’થી જાણીતી થયેલી અભિનેત્રી જુહી પરમારે એનાં અભિનેતા-પતિ સચીન શ્રોફથી છૂટાછેડા લેવા માટે કોર્ટમાં અરજી કરી દીધી છે.

દંપતીએ એના 8 વર્ષ જૂના લગ્નજીવનનો અંત લાવવા માટે ગઈ 20 ડિસેમ્બરે બાન્દ્રાની ફેમિલી કોર્ટમાં અરજી નોંધાવી દીધી છે.

જુહી અને સચીન છેલ્લા એક વર્ષથી અલગ રહે છે. બંનેએ 2009માં લગ્ન કર્યા હતા.

જુહીએ એક મુલાકાતમાં કહ્યું છે કે અમે બંનેએ પરસ્પર સંમત્તિથી છૂટાછેડા માગ્યા છે અને અમારી પુત્રી સમાઈરા મારા કબજામાં રહેશે. મેં શરૂઆતથી જ સ્પષ્ટપણે કહી દીધું હતું કે સમાઈરા મારી સાથે જ રહેશે. અમારું લગ્નજીવન શરૂઆતથી જ સરખું ચાલ્યું નહોતું. અમારી વચ્ચે ક્યારેય મનમેળ રહ્યો નહોતો. અમારી વિચારસરણી, જીવન પ્રત્યેની અપેક્ષા – બધું જ સાવ અલગ રહ્યું હતું. અમે ઘણા પ્રયાસો કર્યા હતા, પણ અમારી વચ્ચેના મતભેદો દૂર થયા નહીં.

જુહીએ સચીન પાસેથી ભરણપોષણ માટે કોઈ રકમ માગી નથી કે સમાઈરાનાં ઉછેર માટે પણ કોઈ રકમ માગી નથી.