સૂરતઃ વિદ્યાર્થીઓની અંતિમ યાત્રામાં આખું શહેર હીબકે ચડ્યું, જવાબદારો સામે પગલા લેવા માંગ

સૂરતઃ સૂરતમાં એક આર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં ગઈકાલે આગ લાગી હતી જેમાં અત્યારસુધી કુલ 20 જેટલા બાળકો મોતને ભેટ્યાં છે. માત્ર સૂરત કે ગુજરાત જ નહી પરંતુ આ ગોઝારી ઘટનાના આખા દેશમાં પડઘા પડ્યાં છે. ત્યારે આજે 14 બાળકોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સૂરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા.

આ 14 વિદ્યાર્થીઓના અંતિમ સંસ્કારમાં આખું શહેર હીબકે ચઢ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોની આંખો નરમ હતી, હ્યદયમાં અપાર દુઃખ હતું અને સાથે તંત્ર સામેનો રોષ પણ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. જ્યારે આ 14 વિદ્યાર્થીઓને અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ લોકો રડી પડ્યા હતા. અહીંયા બાળકોના પરિજનો સીવાય શહેરના અનેક લોકો પણ અંતિમ સંસ્કાર સમયે ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં તક્ષશિલા આર્કેડમાં આગ લાગવાની ઘટનામાં ધો.12માં અભ્યાસ કરતી કૃતિનું મોત થયું હતું. આજે કૃતિની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટું માનવ મહેરામણ ઉમટ્યું હતું. આજે તેના અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે મોતને ભેટેલી કૃતિનું આજે ધો.12નું સામાન્ય પ્રવાહનું પરિણામ આવવાનું હતું તે પહેલા તેની કારકિર્દી હોમાઈ ગઇ હતી.

આ સિવાય ધો.12માં અભ્યાસ કરતી હસ્તીનું પણ પરિણામ જાહેર થયું છે. જે પણ ગઇકાલની સુરતની ઘટનામાં મોતને ભેટી હતી. હસ્તીનું આજ રોજ ધો.12 કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે. હસ્તીનો ધો.12માં 69.39 પર્સન્ટાઈલ આવ્યા છે. પરંતુ દિકરી ગુમાવ્યા બાદ શું કરશે આ રિઝલ્ટને પરિવાર તેવા સો કોઇના મનમાં પ્રશ્નો થઇ રહ્યા છે. હસ્તીનું ઈન્ટિરીયર ડિઝાઈનર બનવાનું સ્વપ્ન હતું પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે કોઈની લાપરવાહીના કારણે એક વિદ્યાર્થીનીનું સ્વપ્ન બેદરકારીના કારણે લાગેલી આગમાં હોમાઈ જાય એ કેટલું યોગ્ય કહેવાય? ત્યારે મૃતકના પરિજનો સહિત તમામ લોકોમાં અત્યારે રોષ છે. અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.