જાપાન સાથેનો વેપાર વધારવા જેટ્રો બિઝનેસ સપોર્ટ સેન્ટર શરુ

0
916

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અમદાવાદમાં જાપાન એકસટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ‘જેટ્રો’ના બિઝનેસ સપોર્ટ સેન્ટરનું ઉદઘાટન કરતાં ર૦ર૦ સુધીમાં ગુજરાતમાં ૩ બિલીયન યુ.એસ.ડોલર્સના રોકાણો જાપાનીઝ ઊદ્યોગો આવે તેવું વાતાવરણ નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.મુખ્યપ્રધાને ‘જેટ્રો’ના ચેરમેન હીરોયુકી ઇશીગે અને જાપાનના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રીયુત રયોજી નોડા તેમજ ઊદ્યોગ અગ્રસચીવ મનોજકુમાર દાસ અને જાપાનીઝ ઊદ્યોગ સાહસિકોની ઉપસ્થિતિમાં ભારતના સૌથી મોટા આ ‘જેટ્રો’ બિઝનેસ સપોર્ટ સેન્ટરને ખુલ્લુ મૂક્યું હતું.

આ પ્રસંગે જાપાનની ૧પ જેટલી કંપનીઓએ ગુજરાત સાથે ‘ઇન્ટરેસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ’ના MoU કર્યા હતા.રુપાણીએ કહ્યું કે, જાપાનીઝ ઇકોનોમીક કોરીડોરને ગુજરાતે ફોકસ સેકટર ફોર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ તરીકે સ્વીકાર્યો છે. આ કોરીડોરની અપ અને ડાઉન બેય તરફની સ્ટ્રીમ મૂડીરોકાણ અને રોજગાર સર્જનની વિપૂલ સંભાવનાઓ સાથે જાપાનીઝ કંપનીઓને ઇન્ડયુસીવ એન્વાયરમેન્ટ અને ગુજરાતના નાગરિક જીવનમાં સુખાકારી વૃદ્ધિ કરશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાત-જાપાન વચ્ચેના આ સહયોગને પ્રોત્સાહન આપવા બેય વચ્ચેના પોલિસી ડાયલોગ ફ્રેમ વર્કને મહત્વપૂર્ણ ગણાવતાં કહ્યું કે ગુજરાતે હાઇબ્રીડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, જાપાન-ઇન્ડીયા ઇન્સ્ટીટયૂટ ફોર મેન્યૂફેકચરીંગની સ્થાપના તેમજ ખોરજ પાસે ૧૭પ૦ એકરમાં ઇન્ડો જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ તથા ઓટો વેલ્યુ ચેઇનના રાજ્યમાં સર્જન માટે અમદાવાદના ભગાપૂરામાં રોકાણ કરવા ઇચ્છુક કંપનીઓને જમીન પણ ફાળવી છે.

રુપાણીએ ગુજરાતમાં જાપાન સહિત વિદેશી રોકાણકારો માટે સિંગલ વીન્ડો કલીયરન્સ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ સુવિધાઓ અને ફેસેલીટેશન સેન્ટર્સ જેવા નવિન ઉપક્રમો શરૂ કર્યા છે તે ઔદ્યોગિક સફળતાના પાયામાં છે તેમ ઉમેર્યુ હતું.જાપાનીઝ ઊદ્યોગોનું ગુજરાતમાં વિશાળ પાયે આગમન સમાજજીવનને અને યુવાનોને તથા અંતરિયાળ-જરૂરતમંદ વિસ્તારોને આર્થિક-સામાજીક રીતે અવશ્ય લાભદાયી નિવડશે તેવો વિશ્વાસ આ સેન્ટરને સફળતાની શુભેચ્છાઓ પાઠવતાં વ્યકત કર્યો હતો.

જાપાન સાથે મૈત્રી કેળવવાના પ્રયાસોના ભાગ રૂપે આ જેટ્રો બિઝનેશ સેન્ટર કાર્યરત થયું છે તેનાથી જાપાની ઉદ્યોગકારો-કંપનીઓની સહુલિયત વધશે. ગુજરાત આજે શ્રેષ્ઠ રોકાણ ડેસ્ટીનેશન બન્યું છે ત્યારે જાપાનીઝ કંપનીઓએ પણ ગુજરાતમાં રોકાણ વધાર્યુ છે અને તેના પગલે ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને સાથે સાથે ભારત-જાપાનના ઉષ્માપુર્ણ સંબંધોને પણ વેગ મળશે.

જેટ્રોના ચેરમેન અને સીઇઓ  હિરોયુકી ઇશિગેએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગુજરાત એ દેશનું અગ્રીમ અને વિકસિત રાજ્ય છે સાથે સાથે ઔદ્યોગિક વિકાસ માટે સાનુકુળ વાતાવરણ છે એટલું જ નહીં રાજ્ય સરકારની ઇઝ ઓફ ડુઇંગ પોલિસી પણ વિદેશના ઉદ્યોગોને આવકારવા સમર્થ છે ત્યારે જેટ્રો બિઝનેસ સપોર્ટ સેન્ટર જાપાની ઉદ્યોગો માટે ઉપયોગી માધ્યમ પુરવાર થશે.