નોઇડામાં ગ્લોબલ રીન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટ, ઊર્જાપ્રધાને રોકાણ માટે અપીલ કરી

નોઈડા– ગ્રેટર નોઇડા એક્સ્પો માર્ટ ખાતે યોજાયેલ બીજી ગ્લોબલ રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટ યોજાઈ હતી. જેમાં ભાગ લેતાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલે આ ક્ષેત્રમાં ખાનગી રોકાણકારોને અપીલ કરી હતી તે તેઓ આગળ આવે.તેમણે ગુજરાતમાં રીન્યુએબલ એનર્જીમાં રોકાણ કરવા માટે એનર્જી સેક્ટરના ખાનગી ખેલાડીઓને આમંત્રણ પાઠવતાં જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ ખેડૂતો અને નાગરિકોને સસ્તા દરે ઊર્જા પૂરી પાડવાનો છે. તેમણે ખાનગી ક્ષેત્રના રોકાણકારોને આ ક્ષેત્રમાં વધુ રોકાણ કરવાની અપીલ કરી હતી.

પાયલોટ પ્રોજેક્ટ સૂર્ય શક્તિ કિશન યોજના (સ્કાય)નો ઉલ્લેખ કરીને એવો દાવો પણ કર્યો હતો કે આ યોજના એક ગેમ ચેન્જર બનશે. આ પ્રોજેક્ટ ૧૨,૪૦૦ ખેડૂતોને સગવડ પૂરી પાડવા માટે રૂ. ૮૭૫ કરોડની કિંમતે સ્થાપવામાં આવ્યો છે.કૃષિ ક્ષેત્રે ૨૬ટકા ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી તેમણે રોકાણકારોને આ પ્રોજેક્ટમાં રોકાણ કરવા સૂચવ્યું હતું.

તેમણે માહિતી આપી હતી કે ગુજરાતે હાયબ્રિડ વિન્ડ પાવર પોલિસી રજૂ કરી છે અને ટૂંક સમયમાં સોલાર લેન્ડ પોલિસી લાગુ કરવામાં આવશે.ગુજરાત, ટૂંક સમયમાં દેશની પ્રથમ એક ગિગાવોટ ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ પણ અમલ થશે.

તેમણે ઊર્જાના ટકાઉ નવીનીકરણીય સ્ત્રોતોનો વિકલ્પ શોધવા માટેની તાત્કાલિક જરૂરિયાતને આગળ મૂકી. રોકાણકારોને ગુજરાતની મુખ્ય યોજનાઓ ;  સોલાર પાર્ક્સ, હાઇબ્રિડ એનર્જી પોલિસી (વિન્ડ એન્ડ સોલાર), સૂર્ય શક્તિ કિસાન યોજના અને રેડી ટુ યુઝ ટ્રાન્સમિશન તકનીક પર માહિતી આપીને ગુજરાતમાં આરઈ સેક્ટરમાં રોકાણ કરવા અપીલ કરી હતી.