પાટણ દલિત આત્મવિલોપન મામલે પોલીસ મહાનિરીક્ષકના અધ્યક્ષપદે SITની રચના

ગાંધીનગર- ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પાટણ જિલ્લાના દુદખા ગામના દલિત પરિવારની ઘટના સંદર્ભે રાજ્ય સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર છે અને મુખ્યપ્રધાન વિજય રુપાણીએ તમામ પ્રકારે સહાયરુપ થવા નિર્ણયો લઇને મદદ કરી છે. આ ઘટના સંદ્રભે મુખ્યપ્રધાને ઘટનાની ન્યાયિક તપાસ થાય તે માટે પોલીસ મહાનિરીક્ષકના અધ્યક્ષસ્થાને ખાસ તપાસ દળ(એસ.આઇ.ટી.) રચવાનો નિર્ણય કર્યો છે. આ તપાસપંચ 31 માર્ચ, 2018 સુધીમાં સંપૂર્ણ તપાસ કરીને અહેવાલ આપશે. કસુરવાર સામે કડકમાં કડક પગલા લેવાશે. કોઇ પણ વ્યકિતને છોડવામાં આવશે નહી.તેમણે ઉમેર્યું કે આ સમગ્ર કેસની તપાસ બાબતે રચાયેલ ખાસ તપાસ દળમાં નરસિમ્હા કોમર, IGP, અધ્યક્ષ, કિરીટભાઇ અધ્વર્યુ, નિવૃત અધિક સચિવ, સભ્ય અને મકરંદ ચૌહાણ, પોલીસ અધિક્ષક, સભ્ય સચિવની બનેલ SITની રચના કરાઇ છે.

ગૃહપ્રધાન જાડેજાએ ઉમેર્યુ હતુ કે, પાટણ જિલ્લાના દુદખા ગામના દલિત પરિવારની ઘટાજમીન માટેની માંગણી અંગેની વારંવારની રજુઆતો સંબંધમાં કોઇ પ્રતિભાવ ન મળતા ભાનુભાઇ જે. વણકરે તા.૧૫/૨/૨૦૧૮ના રોજ પાટણ કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કર્યં હતું અને ભાનુભાઇ વણકર ગંભીર રીતે દાઝી જતા તેઓને એપોલો હોસ્પિટલ, અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન ભાનુભાઇ વણકરનું તા.૧૬.૨.૨૦૧૮ના રોજ અવસાન થયું હતું. આ દુ:ખદ બનાવ સંદર્ભે તા.૧૭ અને ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ દરમ્યાન તેમના વિવિધ પડતર પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા તેમના પરીવાર જતો દ્વારા માંગણીઓ પણ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ સંદર્ભે હકારાત્મક અભિગમ દાખવી સંવેદનશીલતાપૂર્વક તેઓના પ્રશ્નોનો નિકાલ કરવાનો પ્રયાસ હાથ ધરીને તેઓની  માંગણીઓ પર કાર્યવાહી કરવા રાજ્ય સરકારે તૈયારી દાખવી હતી.

જાડેજા એ ઉમેર્યું હતું કે તેમના પરીવારજનો દ્વારા જે માંગણીઓ કરાઇ હતી તે સંદર્ભે પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામની ઘટના સંદર્ભે ખાસ કિસ્સા તરીકે શરતોને આધિન જમીન નિયમબધ્ધ કરી આપવા કલેકટર પાટણ દ્વારા તા.૧૯/૨/૨૦૧૮ના રોજ હુકમ કરવામાં આવેલ છે.

સ્વર્ગસ્થ ભાનુભાઇ વણકરના પુત્ર ભાર્ગવકુમાર ભાનુપ્રસાદ મેઉવા કે જેઓ જામવાડા પ્રાથમિક શાળા, તાલુકો સાતલપુર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેઓ તેમના પરીવારજનો સાથે રહી શકે તે માટે રાજ્ય સરકારે સંવેદનશીલતા દાખવીને તેઓની સિધ્ધપુર તાલુકાની ઇન્દીરાનગર(કાકોશી) પ્રાથમિક શાળામાં તા.૨૧/૨/૨૦૧૮ના રોજ બદલીના હુકમો પણ કરી આપ્યા છે.