અમરેલીમાં વરસાદથી નુકસાનના પાક વિમાના દાવા ઉપલબ્ધ નથીઃસરકાર

ગાંધીનગર- કેન્દ્ર સરકારે ખેડૂતોને તેમના પાક નુકશાનનું યોગ્ય વળતર મળી રહે તેવા હેતુથી પ્રધાનમંત્રી પાક વિમા યોજના અમલી બનાવી છે. જે હેઠળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં કપાસ પાકમાં વિમો ચૂકવવાની ગણતરી પ્રગતિમાં છે. જેથી કપાસ પાકમાં વિમાના દાવાની ટકાવારી ઉપલબ્ધ નથી, તેમ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કપાસ-મગફળી પાક વિમા અંગેના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં રાજ્ય કૃષિપ્રધાન જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું.કપાસના પાકમાં વિમાની ગણતરી પ્રક્રિયા પ્રગતિમાં હોઇ આ પ્રક્રિયા પૂર્ણ થયે આ ચુકવવા પાત્ર રકમ-દાવા સંબંધિત વિમાકંપની દ્વારા ચૂકવવાના રહે છે.

પાક વિમા માટે વિમા કંપનીઓની પસંદગી ટેન્ડર પ્રક્રિયાથી પૂર્ણ કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તથા લીલીયાતાલુકા નોટિફાઇડ એરિયામાં આવતા નથી. આથી વર્ષ-૨૦૧૬ના ખરીફ પાક મગફળીના પાક વિમાના દાવા યોજનાની ગાઇડલાઇન મુજબ ચૂકવવા પાત્ર થતી નથી. આ અંગે રચાયેલી ટેકનિકલ એડવાઇઝરી કમિટિ આખરી નિર્ણય કરાશે.