કલગી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગોનો ઉત્સાહ વધારવા ખાસ કાર્યક્રમનું આયોજન

0
1220

અમદાવાદઃ ગુજરાતમાં સૌપ્રથમ વખત દિવ્યાંગ દીકરી કલગીના કલગી ફાઉન્ડેશન દ્વારા રાજ્યના વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનાર 30 દિવ્યાંગોનો દિવ્યાંગ રત્ન એવોર્ડ દ્વારા સન્માન કરવાનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ગુજરાતના દિવ્યાંગો પણ સામાન્ય વ્યક્તિ કરતા પણ વધુ નામના મેળવી શકે છે તે વાત સિદ્ધ કરનારા ૩૦ અલગઅલગ ક્ષેત્રના દિવ્યાંગો, જેમાં સ્પોર્ટ્સ,એજ્યુકેશન, ગીતસંગીત, ડાન્સ અને પોતાના ખાસ કૌશલ્ય દ્વારા નામના મેળવનાર આવા દિવ્યાંગ રત્નોનું સન્માન કરવામાં આવ્યું  હતું.

આ પ્રસંગે કલગી રાવલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે કલગી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ બાળકો બિચારા બાપડા બનીને નહી પરંતુ સ્વમાનભેર જીવન જીવી શકે અને તે લોકોને નોકરી-ધંધાની તકો મળે તે માટે અમારો સતત પ્રયત્ન રહેશે. કલગીના ઉદબોધન બાદ હોલમાં ઉપસ્થિત તમામ મહેમાનોને આમંત્રિતોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપીને વધાવી લીધી હતી

આ પ્રસંગે દિવ્યાંગોનો ઉત્સાહ વધારવા માટે અમદાવાદના મેયર ગૌતમ શાહ, સંગીતના સિતારાઓ કિંજલ દવે, રાજલ બારોટ, જીગ્નેશ કવિરાજ,મનુભાઈ રબારી, વીરલ રબારી ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં દિવ્યાંગો દ્વારા પ્રાર્થના નૃત્ય અને દેશભક્તિ પર અલગ અલગ પર્ફોર્મન્સ પણ રજૂ કર્યા હતા.  આ કાર્યક્રમમાં ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં ભાગ લઈને આવેલા વડોદરાના દિવ્યાંગ કમલેશભાઈ પટેલે પણ હાજર રહીને પરફોર્મ કર્યું હતું. તો અમદાવાદના દિવ્યાંગ ધવલ ખત્રીએ બે હાથ ન હોવા છતાં લાઈવ પેઇન્ટિંગ દ્વારા પોતાનું આગવું કૌશલ્ય લોકો સમક્ષ પ્રસ્તુત કર્યું હતું.

દિવ્યાંગ દીકરી કલગીના આ સાહસને વધાવતાં જાણીતા કલાકાર જીગ્નેશ કવિરાજે’ લાડકી દીકરી ‘અને ‘દીકરી મારી.લાડકવાઈ ‘ગીત સંભળાવીને પ્રેક્ષકોની આંખમાં આંસુ લાવી દીધા હતા તો રાજલ બારોટ એ પણ’ ઇતની શક્તિ હમેં દેના દાતા ‘ગાઇને દિવ્યાંગોમાં જોમ ભર્યું હતું. કિંજલ દવેએ પણ ‘અમે ગુજરાતી લેરી લાલા ગીત’ ગાઇને ગુજરાતીપણાને ગૌરવ અપાવ્યું હતું.