હવેની સીઝનમાં કૂલ કૂલ છે આ સ્ટાઇલ

યંકર બફારા બાદ હવે વરસાદી વાદળો ઘેરાતાં જોઈને પણ અપાર રાહત મળતી હોય છે. વરસાદ પોતાના આગમનની છડી પોકારી રહ્યો હોય ત્યારે આપણે પણ મોસમનો મિજાજ પારખીને એ જ પ્રમાણે વોર્ડરોબ તૈયાર કરવું રહ્યું. ગરમી અને બફારામાં તેમજ વરસાદી સિઝનમાં ડેનિમ પહેરવાનો તો વિચાર સુદ્ધાં અકળાવી મૂકે છે તેવામાં કૂલ અને સ્ટાઇલિશ રહેવા માટે કેવું ફેશન સ્ટેટમેન્ટ અપનાવવું તે અંગે માનુનીઓને અવઢવ રહેતી હોય છે.  આ અવઢવને દૂર કરવા તમે નવી ટ્રેન્ડ પ્રમાણે મેક્સી ફ્રોક કે ગાઉનનો સ્ટાઇલિશ વિકલ્પ અપનાવી શકો છો. વરસાદી વાતાવરણમાં ફ્લોઈ મેક્સી એકદમ હળવાશભરી ફિલિંગ આપે છે. મેક્સીનો વિકલ્પ ચોમાસાના આઉટફિટ્સ માટે એકદમ યોગ્ય બની રહેશે. વળી મેક્સીમાં તમે તમારી અનુકૂળતા પ્રમાણે હાફ, સ્ટ્રીપ, ફુગ્ગા, કે બ્લૂન બાંયની સગવડતા રાખી શકો છો. લોન્ગ મેક્સીમાં તમે સ્લિવ સાથે ઘણા એક્સપરિમેન્ટ કરી શકો છો. સ્પેગેટી  સ્લિવ, અથવા તો ઓફ શોલ્ડર મેક્સી સપ્રમાણ ફિગર પર ખૂબ સરસ લાગશે. મેક્સીમાં મોટા ભાગે શિફોન, જ્યોર્જેટ, કોટન સિલ્ક, લિનન જેવા ફેબ્રિક વપરાય છે. તેમાંય જો ફલોરલ પ્રિન્ટ હોય તો તો મેક્સીનો રૂઆબ કંઇક અલગ જ લાગે છે.

મેક્સી ફ્રોક અને સ્કર્ટ પણ છે ખાસ વિકલ્પ

ફેશન પરસ્ત યુવતીઓને એ જણાવી દઉં કે મેક્સી એટલે તમે સમજતા હશો કે એકદમ લાંબું ગાઉન, પરંતુ આજે ફેશન ડિઝાઇનર મેક્સીની આ પરંપરાગત સ્ટાઇલમાં ફેરફાર કર્યો છે અને તેઓ મેક્સી ફ્રોક પણ બનાવવા લાગ્યા છે. આ ઉપરાંત એકદમ લાંબી મેક્સીને તેમણે ની લેન્થ પણ બનાવી છે. જેથી જે યુવતીની હાઇટ ઓછી હોય તેને પણ યોગ્ય વિકલ્પ મળી રહે છે. આ ઉપરાંત ઉપસ સાદું ટોપ પહેરીને નીચે લાબું સ્કર્ટ પહેરાતું હોય છે તેને ફેશન જગતમાં મેક્સી સ્કર્ટ નામ આપવામાં આવ્યું છે વધારે હાઇટ ધરાવતી યુવતીઓએ આ કોમ્બિનેશન ચોક્કસ પસંદ કરવું જોઈએ.મેકસી ગાઉન, ફ્રોક કે સ્કર્ટ પહેરતી વખતે એ ધ્યાન રાખવું કે તમારું બોડી સપ્રમાણ હોય,  જો તમારું બોડી હેવી હોય તો મેક્સીની એવી ડિઝાઇન પસંદ કરવી જેનાથી સ્થૂળતા ઢંકાઈ જાય. જો તમે પાતળી સ્ટ્રીપની મેક્સી પસંદ કરી હોય તો પછી તમે ટ્રાન્સપરન્ટ શ્રગ પહેરી શકો જેથી હાથની ચરબી ઢંકાઈ રહે. મેક્સી પર શ્રગની પસંદગી પાતળી યુવતીઓ પણ કરી શકે છે. કારણ કે ઓફ શોલ્ડર કે સ્ટ્રીપને કારણે હાથ ખૂબ પાતળા લાગે છે.

મેક્સી દરેક સ્ત્રી માટે એકદમ કમ્ફર્ટેબલ પોશાક છે. તેની સાથે એકદમ લાઇટ જ્વેલરી જ પહેરવી જોઈએ, કારણ કે મેક્સીનું ફેબ્રિક મોટા ભાગે ઝીણી ડિઝાઇન તથા ફલોરલ ડિઝાઇનથી ભરચક રહેતું હોય છે. એટલે જ્વેલરી કે એક્સેસરીઝનો વધારે ઠઠારો કરવો યોગ્ય નથી.

મેક્સી પહેરો ત્યારે રાખો આટલું ધ્યાન

તમે ચોમાસામાં ની લેન્થ કરતા જરા લાંબી ફ્રોક ટાઇપ મેક્સી અને ગમ બૂટ પહેરીને એક આગવી સ્ટાઇલ વિકસાવી શકો.

મેક્સી સ્કર્ટ સાથે  હિલ વિનાના જ ફૂટવેર પહેરવા.

મેક્સી સાથે ક્લચ પર્સીસ અથવા તો ઝોલા બેગ વધારે સૂટ થશે
ફૂટવેરમાં સ્ટિલેટોઝથી માંડીને બજીસ અથવા પ્લેટફોર્મહિલ કે સામાન્ય  હિલવાલા સેન્ડલ પહેરી શકો.

લોન્ગ મેક્સી સાથે ફ્લિપ ફ્લોપ ફૂટવેર પહેરવાનો અખતરો ન કરવો.