જેટલા વૃક્ષો કપાય તેની સામે બમણાવૃક્ષો વાવીને ગ્રીન કવર વધારવા વન વિભાગને આદેશ…

ગાંધીનગરઃ રાજ્યમાં ગ્રીન કવર વધારવા માટે રાજ્ય સરકારે સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રુપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં વન વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક આગામી વન મહોત્સવ તેમજ ચોમાસા પૂર્વે ઘનિષ્ઠ વૃક્ષારોપણના આયોજન અંગે યોજાઇ હતી. મુખ્યપ્રધાન રુપાણીએ બેઠકમાં સુચવ્યું હતું કે, વન મહોત્સવ અંતર્ગત વૃક્ષોના છોડ-રોપા વિતરણ તેમજ વાવેતરનું જિલ્લા-તાલુકા અને ગ્રામ્યસ્તર સુધી માઇક્રોપ્લાનીંગ વન વિભાગ દ્વારા કરવામાં આવે.

રાજ્યમાં વન મહોત્સવ અંતર્ગત ૧૦ કરોડ રોપાઓનું વિતરણ ઝૂંબેશ રૂપે કરાશે. ૨૦૧૭ના સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ અનુસાર રાજ્યમાં ફોરેસ્ટ કવર અને ટ્રી કવર મળીને ૧૧.૬૧ ટકા છે તે ટકાવારી વધારવા મુખ્યપ્રધાને સુચવ્યું છે. એટલું જ નહિ, જેટલા વૃક્ષો કપાય તેની સામે બમણા-બે ગણા વૃક્ષો વાવીને ગ્રીન કવર વધારવા પણ તેમણે વન વિભાગને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે.

આવા વૃક્ષાચ્છાદિત વિસ્તારના જતન માટેની જવાબદારી વન અધિકારીઓને સોંપાય તેમજ જવાબદારી-જવાબદેહી પણ નક્કી થાય તેવી કાર્યવ્યવસ્થા ગોઠવવાની તેમણે સૂચનાઓ આપી હતી.

વન પ્રધાન ગણપતભાઇ વસાવા, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા તથા વન રાજ્ય પ્રધાન રમણભાઇ પાટકર અને મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, વન પર્યાવરણ અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા સહિત વરિષ્ઠ વન અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.

મુખ્યપ્રધાન રુપાણીએ રાજ્યમાં વન મહોત્સવો અન્વયે અત્યાર સુધીમાં જે વિવિધ સ્થળોએ ૧૮ જેટલા સાંસ્કૃતિક વનો નિર્માણ પામ્યા છે તે વનોની યોગ્ય માવજત, સુશોભન, જતન-સંવર્ધન માટે વન વિભાગના અધિકારીઓ યોગ્ય કાળજી લઇ મેનપાવર પ્લાનીંગ સહિતની વ્યવસ્થા ગોઠવે તેવું પ્રેરક સૂચન પણ કર્યુ હતું.

આ બેઠકમાં રાજ્યનો આગામી ૭૦મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ અમદાવાદ જિલ્લાના ઓઢવના જડેશ્વરમાં યોજાવાનો છે તેની વિગતવાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુખ્યપ્રધાનના હસ્તે જડેશ્વરમાં ૮.પપ હેકટરમાં અમદાવાદ જિલ્લાનું પ્રથમ સાંસ્કૃતિક વન નિર્માણ પામવાનું છે.

આ સાંસ્કૃતિક વન પણ પ્રવાસન – પ્રકૃતિ પ્રેમીઓના આકર્ષણનું કેન્દ્ર બને તેવી સુવિધાઓ, ફૂલ-છોડ ઝાડના વાવેતર જતનની કાળજી અંગે પણ મુખ્યપ્રધાને વન વિભાગને સૂચનો કર્યા હતા. ૭૦માં વન મહોત્સવ અંતર્ગત આ વર્ષે ૩૩ જિલ્લામથકો, 8 મહાનગરો તેમજ 250 તાલુકા મથકો સમેત 5020 ગામોમાં વન મહોત્સવની ઉજવણી કરાશે તેનું આ બેઠકમાં વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.