મારીને 50 ફૂટ ઊંડા કૂવામાં નંખાયા 1 સિંહ અને નીલગાય, કોણ કરશે તપાસ?

0
660

અમરેલી- ગીર જંગલના એક કૂવામાંથી એક સિંહ અને 10 નીલગાયના મૃતદેહો મળી આવવાના સમાચારે વન્યજીવ પ્રેમીઓને કચવાટમાં મૂકી દીધાં છે. આશરે ત્રણેક દિવસ પહેલાં મારીને ફેંકી દેવાયેલાં હોય તેમ મૃતદેહની તપાસમાં બહાર આવ્યું છે.અમરેલી જિલ્લાના સાવરકુંડલાના લીખાળા ગામના કૂવામાંથી આ તમામ પ્રાણીના મૃતદેહ મળ્યાં હતાં. વનવિભાગનું માનવું છે કે વન્ય પ્રાણીને માર્યાં હોવાથી ગુનો છુપાવવા માટે 50 ફૂટ ઊંડા કૂવામાં નાંખી દેવાયાં હશે.

જો તમને યાદ હોય કે ગીર અભયારણ્યમાં છેલ્લાં બે વર્ષમાં 184 સિંહોના મોતના સમાચાર આવ્યાં હતાં. તો આવી ઘટનાઓને બનતી અટકાવવા જે પ્રશાસનિક વ્યવસ્થા મજબૂત કરવાની હોય તે વધુ નબળી પડે તો શું બને? ગીર જંગલનો વહીવટ ઇન્ચાર્જ અધિકારીઓના કારણે અનિશ્ચિત સ્થિતિમાં ચાલી રહ્યો હોવાની બૂમ પણ ઊઠેલી છે, ત્યારે આ ઘટનાની તપાસ કાણ કરશે તેનો સવાલ ઊઠી રહ્યો છે..

ગુજરાત હાઇકોર્ટે સિંહોના અકુદરતી મોતના વધી રહેલાં બનાવો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે ત્યારે લીખાળાના કૂવામાંથી મળેલાં એક સિંહ અને 10 નીલગાયના મૃતદેહ તંત્રની આંખ ઉઘાડનાર બનશે કે કેમ તેની રાહ છે.,