ભવનાથ મેળાને મીની કુંભનો દરજ્જોઃ સીએમ રુપાણીની જાહેરાત

0
1316

જૂનાગઢ– મુખ્યપ્રધાન વિજય રુપાણી આજે મહાશિવરાત્રિ નિમીત્તે જૂનાગઢના ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા, ત્યાર બાદ વિજય રુપાણીએ બે અતિમહત્વની જાહેરાત કરી હતી. વિજય રૂપાણીએ સાધુ સંતોની માંગને ધ્યાને લઈને સત્તાવાર જાહેરાત કરી હતી (1) ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના રાજ્ય સરકાર કરશે અને (2) મહાશિવરાત્રિના પાવન દિવસે ભવનાથ તળેટીમાં યોજાતા મેળાને મીની કુંભનો દરજ્જો અપાશે. ભવનાથ તળેટીમાં ઉપસ્થિત સાધુ સંતોએ સીએમ વિજય રુપાણીની આ જાહેરાતને સહર્ષ વધાવી લીધી હતી.

વિજય રુપાણીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ગિરનારના સાધુસંતોનું પ્રતિનિધિત્વ હશે, અને ગિરનારના વિકાસ માટેના કામો અંગે આ ઓથોરિટી ચર્ચા કરીને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરશે. અને વિકાસનું કામ ઓથોરિટી કરશે. તેમજ બે વર્ષ અગાઉ ચિત્રલેખાએ અહેવાલ પ્રકાશિત કર્યો હતો, કે મહાશિવરાત્રિના પાવન દિવસે ભવનાથમાં યોજાતા મેળાને મીની કુંભનો દરજ્જો આપવામાં આવે, તેવી વર્ષોથી સાધુ સંતોની માંગ હતી. જે માગ આજે સંતોષાઈ છે. સીએમ રુપાણીએ મીની કુંભનો દરજ્જો આપવાનું કહ્યું છે.

ગિરનાર પર યાત્રીઓ માટે સુવિધા વધે એ અમારી પહેલી માગણી :મહંત હરિગિરિ

ભવનાથ મહાદેવના મહંત હરીગીરીબાપુએ શિવરાત્રિ અવસર નિમિત્તે કહ્યુ કે અમે તો સાધુ છીએ અમારી માગણી ભૌતિક અને અંગત ન હોય. અમે અહી યાત્રીઓ માટે સુવિધા ઇચ્છીએ છીએ. ગિરનાર સીડી પર બહેનો માટે શૌચલયની સુવિધા નથી.વીજળીના બલ્બ પણ ઘણી જગ્યાએ નથી. આ સુવિધા મળે. મેળામા મુળભૂત સુવિધા મળે, બહેનો માતાઓ નિશ્ચિઁત રહીને મેળામાં આવે. કુદરતી હાજ્ત માટે એમને તકલીફ ન પડે એવી વ્યવસ્થા થવી જોઇએ.

જૂનાગઢથી અહેવાલ- જ્વલંત છાયા