સરકારી અને પ્રજાપ્રતિનિધિઓની ઝડપી કામગીરીથી આ ગામે મેળવ્યાં અનેક લાભ…

અમદાવાદઃ ગ્રામ્ય ક્ષેત્ર હોય કે શહેરી ક્ષેત્રમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કેટલીક એવી યોજનાઓ હોય છે, જે નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી હોય છે. સમયાંતરે તમામ લાભાર્થીઓને એ યાદ દેવડાવવું તેમજ માહિતગાર કરવું એ સરકારી અધિકારીઓ તેમજ પ્રજાના પ્રતિનિધિનું કામ છે. શિક્ષણ લેવા માંગતા વિદ્યાર્થીઓ, સ્વાસ્થ્યની તકલીફો ભોગવતા દર્દીઓ,  બેરોજગારો, વૃદ્ધો તેમ જ  વિધવા અવસ્થા ભોગવી રહેલી બહેનોને એમને મળતા લાભો માટે સતત માહિતગાર કરવા જરુરી છે.

કેટલીકવાર માહિતીના અભાવે, ઓછા અભ્યાસને કારણે કે  શારિરીક-આર્થિક ક્ષમતાના અભાવે લાભાર્થીઓ યોજનાઓ સુધી પહોંચી શકતા નથી. પરંતુ હજુય સરકારી તંત્રમાં અને પ્રજાના કેટલાક પ્રતિનિધિઓ સતત જાગૃત રહી લોકોને માર્ગદર્શન આપી લાભાન્વિત કરવા પ્રયાસ કરે છે. તાજેતરમાં જ ગાંધીનગર જીલ્લાના કોબા ગામમાં સરકારી અધિકારીઓ તેમજ પ્રજાના પ્રતિનિધિઓએ ઘરે ઘરે ફરી લોકોને સરકારી યોજનાઓ વિશે માહિતગાર કર્યા.

સૌને માહિતગાર કર્યા બાદ “માં કાર્ડ” અને વિધવાઓને પેન્શનની યોજનાનો લાભ અપાવ્યો. સરકારી યોજનાઓ મેળવવા માટે નાગરિકોને કોઇપણ તકલીફ ભોગવવી ના પડે એ માટે પોતે જ દસ્તાવેજો એકઠા કર્યા. જેમાં વિધવા પેન્શન માટે 105 લોકોને લાભ મળ્યો જ્યારે અંદાજે 100 થી વધુ લોકોને “માં વાત્સલ્ય” યોજનાનો લાભ મળ્યો.

આ સમગ્ર કામગીરીમાં કોબા ગામ ખાતે સરકાર તરફથી અધિકારીઓ જે.એમ.ભોરણીયા, એસ કે લાંગા, મામલતદાર સુનિલ રાવલ તેમજ સરપંચ યોગેશભાઇ નાયી અને માજી સરપંચ ભૂપેન્દ્ર પટેલે સહયોગ આપ્યો હતો. સરકાર અને પ્રજાના પ્રતિનિધિઓની સક્રિયતાથી જરુરિયાતમંદ લોકો એકમદ સરળતાથી લાભ મેળવી શક્યા.

(પ્રજ્ઞેશ વ્યાસ)