કૈલાસ માનસરોવર યાત્રા માટે રજિસ્ટ્રેશન શરુ, આટલો થશે ખર્ચ

અમદાવાદ- વર્ષ 2019 દરમિયાન કૈલાસ માનસરોવર યાત્રાએ જવા માગતા યાત્રિકો માટે રજિસ્ટ્રેશન શરુ થઈ ગયું છે, ભારત સરકારની વેબસાઇટ httpss://kmy.gov.in પરથી યાત્રિકો અરજી કરી શકશે. આ યાત્રા માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ નિયત કરવામાં આવી છે. આ યાત્રા જુદા જુદા બે રૂટ પરથી કરી શકાય છે.

જેમાં પ્રથમ રૂટ લીપુલેખ પાસ ઉત્તરાખંડ, જેની પ્રથમ બેચ 8 જૂન 2019ના રોજ અને 18મી એટલે કે છેલ્લી બેચ 15 ઓગસ્ટના રોજ ઉપડશે. આ રૂટ માટે કુલ 24 દિવસનો સમય લાગે છે. આ રૂટ પર આશરે રૂપિયા 1,8૦,૦૦૦નો ખર્ચ થાય છે.

બીજો રૂટ નાથુલા પાસ સિક્કીમ થઇને..

બીજા રૂટની વાત કરીએ તો વાયા નાથુલા પાસ સિક્કીમ થઇને જઇ શકાય છે. જેની પ્રથમ બેચ 11 જૂનના રોજ અને છેલ્લી એટલે કે 10મી બેચ 3 ઓગસ્ટના રોજ ઉપડશે. આ પ્રવાસ માટે કુલ 21 દિવસનો સમય લાગે છે. આ રૂટ પર આશરે રૂપિયા 2,5૦,૦૦૦નો ખર્ચ થાય છે. આ યાત્રા માટે થનાર ખર્ચની સંપૂર્ણ વિગત અને અન્ય તમામ વિગત ભારત સરકારની વેબસાઇટ httpss://kmy.gov.in પર સરળતાથી મેળવી શકાય છે.

આ અંગે વધુ વિગતો કે માહિતીની જરૂર હોય તો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની httpss://yatradham.gujarat.gov.in/ સાઇટ પર જોઇ શકાશે.