પ્રથમ મેગા ફૂડ પાર્કની આ છે વિશેષતા, બીજો અહીં બનાવવાની તૈયારી

સૂરત- મુખ્યપ્રધાન વિજય રુપાણી અને કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગપ્રધાન હરસિમરત કૌર બાદલે આજે ગુજરાતમાં પ્રથમ મેગા ફૂડ પાર્કનું ઉદઘાટન કર્યું હતું. મેસર્સ ગુજરાત એગ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેગા ફૂડ પાર્ક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રમોટેડ આ પાર્ક સૂરત જિલ્લાના માંગરોળ તાલુકાના શાહ અને વસરાવી ગામે સ્થિત છે. આ ઉપરાંત મંત્રાલયે ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં બીજા મેગા ફૂડ પાર્કને પણ મંજૂરી આપી છે.

ગુજરાત એગ્રો મેગા ફૂડ પાર્કથી સૂરત જિલ્લો ઉપરાંત નવસારી, તાપી, નર્મદા અને ભરુચ જિલ્લાઓનાં લોકોને લાભદાયક પુરવાર થશે. આ મેગા ફૂડ પાર્ક રૂ.117.87 કરોડનાં ખર્ચે 70.15 એકર જમીનમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. આ મેગા ફૂડ પાર્કનાં સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર (સીપીસી)માં મલ્ટિ ચેમ્બર કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ, 2 ટીપીએચનું આઇક્યુએફ, પલ્પિંગ લાઇન, ક્વોલિટી કન્ટ્રોલ લેબોરેટરી અને ખાદ્ય પ્રસંસ્કરણ જેવી સુવિધાઓથી સજ્જ છે. પાર્ક પ્રાઇમરી પ્રોસેસિંગ અને ખેતરોની નજીક સંગ્રહ માટે ભરુચ, પાદરા (વડોદરા), વલસાડ અને નવસારીમાં 4 પીપીસી અને ઉદ્યોગસાહસિકોના ઉપયોગ માટે ઓફિસ અને અન્ય સુવિધાઓ માટે સામાન્ય વહીવટી બિલ્ડિંગ પણ ધરાવે છે.

આ પ્રસંગે હરસિમરત કૌરે જણાવ્યું કે, મેગા ફૂડ પાર્કથી પાર્કમાં 25-30 ખાદ્ય પ્રસંસ્કરણ એકમોમાં વધુ      રૂ.250 કરોડનું રોકાણ થશે તથા વર્ષિક રૂ.450-500 કરોડનું ટર્નઓવર થશે. પાર્ક પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 5,000 લોકોને રોજગારી પ્રદાન કરશે તથા સીપીસી અને પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર્સ (પીપીસી)ની આસપાસનાં વિસ્તારોમાં આશરે 25,000 ખેડૂતોને લાભદાયક પુરવાર થશે.તથા ગુજરાતમાં ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રની વૃદ્ધિને મોટું પ્રોત્સાહન પૂરું પાડશે. મેગા ફૂડ પાર્કથી ખેડૂતોની આવક બમણી કરવા ઉપરાંત કેન્દ્ર સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને પણ પ્રોત્સાહન પુરુ પાળશે.

ઉલ્લેખનીય છે કે, ખાદ્ય ચીજવસ્તુઓનો બગાડ થતો અટકે તે હેતુથી ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય દેશમાં મેગા ફૂડ પાર્ક યોજનાનો અમલ કર્યો છે. મેગા ફૂડ પાર્ક ક્લસ્ટર આધારિત અભિગમ મારફતે મજબૂત ફોરવર્ડ અને બેકવર્ડ લિન્કેજ સાથે ખેતરમાંથી બજાર સુધીની મૂલ્ય સાંકળને સમાંતર ખાદ્ય પ્રસંસ્કરણ માટે  આધુનિક માળખાગત સુવિધાઓ ઊભી કરે છે. આ યોજના હેઠળ ભારત સરકાર મેગા ફૂડ પાર્ક પ્રોજેક્ટ દીઠ રૂ.50 કરોડની નાણાંકીય સહાય પૂરી પાડે છે.