રથયાત્રા નજીકમાં, ગુજરાતને હાથી મોકલવા મુદ્દે આસામ અને કેન્દ્રને કોર્ટ નોટિસ

ગુવાહાટીઃ જુલાઈમાં યોજાનારી રથયાત્રા માટે ચાર હાથીઓને તિનસુકિયાથી અમદાવાદ મોકલવા બાબતે ગુવાહાટી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને આસામની રાજ્ય સરકારને નોટિસ પાઠવીને સ્પષ્ટતા માગી છે. એનિમલ એક્ટિવિસ્ટ તરફથી આ હાથીઓને મોકલવાના સરકારના નિર્ણયને પડકારતી પિટિશન કરવામાં આવી હતી.

આ પિટિશનની સુનાવણીમાં હાઈ કોર્ટે સુપ્રીમ કોર્ટે આપેલા ઓર્ડરને ટાંકી સ્પષ્ટતા માગી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે એક ઓર્ડરમાં હાથીની રાજ્યબહાર હેરફેર કે ટ્રાન્સફરની મનાઈ ફરમાવેલી છે.

આ ઉપરાંત ગુજરાતનું વાતાવરણ તથા ટ્રેનની સફર હાથીના સ્વાસ્થ્ય માટે ખાસ અનુકૂળ ન હોવાની બાબત પણ પિટિશનરના વકીલે કોર્ટ સામે મૂકી છે. પિટિશન સાથેની એફિડેવિટમાં એ તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે ગુજરાતના જગન્નાથ મંદિરનો હાથીઓની સાચવણી બાબતેનો રેકોર્ડ ખાસ સરાહનીય નથી. અત્યારે તો સરકારના આદેશ પ્રમાણે ચાર હાથીઓ છ મહિના માટે ગુજરાતને આપવામાં આવશે એ પછી આસામને પરત કરાશે.