પાકિસ્તાને છોડેલાં માછીમારો ગુજરાત આવવા રવાના, આજે વડોદરા પહોંચશે

વડોદરાઃ પાકિસ્તાન દ્વારા શનિવારના રોજ મુક્ત કરવામાં આવેલા 100 જેટલા માછીમારો આજે અહીં પહોંચવાની સંભાવના છે. પાકિસ્તાને બંને દેશો વચ્ચે ઉત્પન્ન થયેલા તણાવને ઘટાડવાને લઈને સદભાવના અંતર્ગત માછીમારોને મુક્ત કર્યા હતાં. મત્સ્યવિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ પૈકી મોટાભાગના માછીમારો ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવના નિવાસી છે જે 17 એપ્રિલના રોજ રાત્રે વડોદરા પહોંચશે.

અગાઉ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા ભારતીય માછીમારોની ફાઈલ તસવીર

 

મત્સ્ય આયુક્તાલયના ડેપ્યુટી ડિરેક્ટર પટેલે જણાવ્યું કે 100 માછીમારોના એક જથ્થાને શનિવારના રોજ કરાંચીની મલીર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં. વાઘા બોર્ડર પર સોમવારે તેમને બીએસએફના હવાલે કરવામાં આવ્યા. આ 100 માછીમારો પૈકી 84 ગીર સોમનાથ જિલ્લાના, છ નવસારીના અને એક ભાવનગર તેમ જ ચાર લોકો દમણ અને દીવના અને અન્ય પાંચ પશ્ચિમ બંગાળના નિવાસી છે.

મુક્ત કરવામાં આવેલા માછીમારો 360 ભારતીય કેદીઓના બીજા જથ્થાનો ભાગ છે, જેમને પાકિસ્તાને આ મહિને કુલ ચાર ચરણમાં મુક્ત કરવાનો વાયદો કર્યો છે. પાકિસ્તાને સાત એપ્રિલના રોજ 100 ભારતીય માછીમારોના પ્રથમ જથ્થાને મુક્ત કર્યો હતો. આ લોકોની પાકિસ્તાની સમુદ્રી ક્ષેત્રમાં ગેરકાયદે માછીમારી મામલે ધરપકડ કરવામાં આવી હતી. અન્ય 100 લોકોને 22 એપ્રિલ અને બીજા માછીમારોને 29 એપ્રિલના રોજ મુક્ત કરવામાં આવશે.