બેન્કો પાસેથી લીધેલી લોન પૂરેપૂરી ચૂકવી દેવાની માલ્યાએ ફરી ઈચ્છા બતાવી

લંડન – ભારતની ખાનગી ક્ષેત્રની એરલાઈન્સ સાથે પક્ષપાતભર્યું વલણ દાખવવાનો ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ભારત સરકાર પર આક્ષેપ કર્યો છે.

માલ્યાનો આરોપ છે કે સરકાર તેની હસ્તકની એર ઈન્ડિયાને આર્થિક સંકટમાંથી ઉગારવા કરોડો રૂપિયા ખર્ચે છે, પણ ખાનગી એરલાઈન્સ પ્રત્યે પક્ષપાત રાખે છે.

માલ્યાએ અનેક ટ્વીટ્સ કરીને જેટ એરવેઝની હાલની આર્થિક કટોકટી માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે અને પુનરોચ્ચાર કર્યો છે કે પોતે ભારતની બેન્કો પાસેથી લીધેલી લોનની 100 ટકા રકમ ચૂકવી દેવા તૈયાર છે.

માલ્યાએ ટ્વીટમાં લખ્યું છે કે, એક સમયે જેટ એરવેઝ કિંગફિશર એરલાઈનની મોટી હરીફ હતી, પણ આવડી મોટી ખાનગી એરલાઈનને બંધ પડવાને આરે આવી ગયેલી જોઈને મને બહુ દુઃખ થાય છે. બીજી બાજુ, સરકારે એર ઈન્ડિયાને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે જાહેર ભંડોળમાંથી 35 હજાર કરોડ રૂપિયાનો ઉપયોગ કર્યો છે. એર ઈન્ડિયા જાહેર ક્ષેત્રની કંપની છે એ કંઈ પક્ષપાતનું કારણ નથી.

માલ્યાએ વધુ ટ્વીટમાં જણાવ્યું છે કે જે દર વખતે હું કહું કે હું જાહેર ક્ષેત્રની બેન્કોને 100 ટકા રકમ પાછી ચૂકવી દેવા તૈયાર છું ત્યારે મિડિયાવાળાઓ એમ કહે કે બ્રિટનમાંથી મારી ભારતમાં હકાલપટ્ટી કરાવાના ડરથી હું ફફડી રહ્યો છું વગેરે વગેરે… હું તો લંડનમાં હોઉં કે ભારતની કોઈ જેલમાં હોઉં, ગમે ત્યાંથી પૈસા ચૂકવી દેવા તૈયાર છું. મેં જ્યારે પહેલી વાર ઓફર કરી હતી ત્યારે બેન્કોએ કેમ પૈસા લીધા નહોતા?

ભાગેડૂ જાહેર કરાયેલા માલ્યાએ પૈસા ચૂકવી દેવાની ઓફર આ કંઈ પહેલી જ વાર કરી નથી. એણે 2018ના ડિસેંબરમાં પણ બેન્કોને આવી વિનંતી કરી હતી અને કહ્યું હતું કે પોતે બેન્કો પાસેથી લીધેલી લોનની રકમ પાછી ચૂકવી દેવા તૈયાર છે.

63 વર્ષીય માલ્યાનો દાવો છે કે આ કેસને રાજકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે અને પોતાની સાથે અયોગ્ય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. હું જાહેર ક્ષેત્રની બેન્કોનાં પૈસા લઈને ભાગી ગયો છું, ડિફોલ્ટર છું એવી નેતાઓ અને મિડિયાવાળાઓ સતત બૂમાબૂમ કરી રહ્યા છે. આ બધું ખોટું છે, એમ તેણે કહ્યું છે.

માલ્યાએ ભારતમાં અનેક બેન્કો પાસેથી રૂ. 9000 કરોડ જેટલી રકમની લોન લીધી હતી, પણ એ ચૂકવ્યા વગર એ 2016ની બીજી માર્ચે ભારતમાંથી ભાગી ગયો હતો. એની સોંપણી ભારતને કરી દેવામાં આવે એ માટે ભારતીય સત્તાવાળાઓ બ્રિટનમાં કાયદાકીય રીતે જોરદાર રજૂઆત કરી રહ્યા છે.

httpss://twitter.com/TheVijayMallya/status/1118283962923782146

httpss://twitter.com/TheVijayMallya/status/1118285282418266112

httpss://twitter.com/TheVijayMallya/status/1118287472729964544

httpss://twitter.com/TheVijayMallya/status/1118288778722971648

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]