રાષ્ટ્રપતિના હસ્તે અમૂલના MD સોઢીને ‘લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’

નવી દિલ્હી- જીસીએમએમએફ(અમૂલ)ના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીનું ઓલ ઈન્ડિયા ફૂડ પ્રોસેસર્સ એસોસિએશન (એઆઈએફપીએ) વતી ‘લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીયપ્રધાન હરસિમરત કૌર બાદલ-ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, ભારત સરકાર દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે આ એવોર્ડ એનાયત થયો હતો.

આર.એસ. સોઢીએ અમૂલ બ્રાન્ડની માલિકી ધરાવતા ગુજરાતના ૩૬ લાખ દૂધ ઉત્પાદક સભ્યો વતી આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર્યો હતો. એવોર્ડ સ્વીકાર્યા બાદ તેમણે ખેડૂતોના સંગઠનના પ્રયાસોને બિરદાવવા બદલ ઓલ ઈન્ડિયા ફૂડ પ્રોસેસર્સ એસોસિયેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. સોઢીએ જણાવ્યું હતું કે અમે આ સિમાચિહન હાંસલ કરી શકયા છીએ તેનું કારણ અમારા સ્થાપક ચેરમેન સ્વ. વી.કુરિયન ધ્વારા નિતીમત્તા અને પ્રમાણિકતાનો નાંખવામાં આવેલો પાયો અને સ્વ.ત્રિભુવનદાસ પટેલ દ્વારા પૂરું પાડવામાં આવેલ વિઝનરી નેટવર્ક છે.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ, ભારતની સૌથી મોટી એફએમસીજી કંપની હોવાનું ગર્વ ધરાવે છે  જે લોકપ્રિય અમુલ બ્રાન્ડના દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતી ભારતની સૌથી મોટી ખાદ્ય ઉત્પાદક સંસ્થા છે. વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન અમૂલ બ્રાન્ડનું અન્ડુપ્લીકેટેડ ટર્નઓવર રૂા.૪૧,૦૦૦ કરોડ હતું. 

 

દેશના એગ્રો-ફૂડ ક્ષેત્રના વૈજ્ઞાનિક પદ્ધતિથી સંચાલન માટે ટેકનિકલ અને સંચાલકીય માર્ગદર્શિકા ઉપલબ્ધ બનાવવાના હેતુથી વર્ષ ૧૯૪૩માં ધ ઓલ ઈન્ડિયા ફૂડ પ્રોસેસર્સ એસોસિએશન(એઆઈએફપીએ)ની સ્થાપના કરવામાં આવી હતી. આઈએફપીએનો મુખ્ય હેતુ મૂલ્યવર્ધનની મદદથી તાજા કૃષિ ઉત્પાદનોનો બગાડ થતો અટકાવવાનો છે, જેથી ગ્રાહકોને તે સમગ્ર વર્ષ દરમિયાન કિફાયતી કિંમતે ઉપલબ્ધ બની રહે.

અમુલ શ્રેષ્ઠ સહકારી મોડેલ અને સહકારી માળખામાં ખેડૂતોના વિશ્વાસનો પર્યાય હોવાની સાથે સાથે જ પ્રોસેસિંગ ક્ષમતા તથા માર્કેટિંગ વ્યૂહરચનામાં પણ બેજોડ છે.

ભારતીય ડેરી ઉદ્યોગમાં સહકારી ક્ષેત્રના નેતૃત્વ અને તેના વિકાસમાં ૩૭ વર્ષનો સમૃદ્ધ અનુભવ ધરાવતાં સોઢીએ

વિવિધ સ્તરે દૂધ ઉત્પાદકોને સેવાઓ પૂરી પાડી છે. સોઢીએ ઉદયપુરની સીટીએઈ કોલેજમાંથી સ્નાતક (એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ)ની ડિગ્રી મેળવી હતી અને તેઓ ઈન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ(ઈરમા)ની પ્રથમ બેચના વિદ્યાર્થી હતાં. ભારતીય ડેરી ઉદ્યોગમાં નેતૃત્વ જાળવી રાખીને તેને મજબૂત બનાવવાનો શ્રેય તેમને જાય છે.

સોઢી ડેરી ક્ષેત્રની ખાસ કરીને ખેડૂતોની અને તેમના પ્રશ્નોની વ્યાપક સમજ ધરાવે છે જેને પગલે અમુલ વિશ્વના સૌથી મોટા અને ઝડપથી વિકસતા ૯ ડેરી સંગઠનમાં સ્થાન પામી છે. અમુલમાં મેનેજિંગ ડિરેક્ટર પદ પરના તેમના છેલ્લાં ૮ વર્ષના કાર્યકાળ દરમિયાન દૂધ ઉત્પાદકોને દૂધની ખરીદી બદલ ચૂકવાતી કિલોગ્રામ દીઠ ફેટની રકમનો ભાવ જે વર્ષ ૨૦૦૯-૧૦ ના સમયગાળા દરમ્યાન રૂ.૩૩૭ હતો જે વધીને ૨૦૧૭-૧૮માં કિલોગ્રામ દીઠ રૂ.૭૧૦ થયેલ છે,  જે ૧૧૧ %નો વધારો દર્શાવે છે. આ જ સમયગાળા દરમિયાન સભ્ય સંઘો પાસેથી દૂધની ખરીદી પણ દૈનિક ૯૦ લાખ લિટરથી વધીને ૨૧૦ લાખ ટન થઈ છે જે ૧૩૩ ટકાનો વધારો દર્શાવે છે. તેમના નેતૃત્વ હેઠળ અમુલે તેની મિલ્ક પ્રોસેસિંગની ક્ષમતા દૈનિક ૧૪૦ લાખ લિટરથી વધારીને ૩૫૦ લાખ લિટર કરી છે.

દેશભરના આધુનિક અને ટેક્નોલોજીથી સજ્જ પ્લાન્ટમાં દૂધ અને દૂધના ઉત્પાદનોની શ્રેષ્ઠ ગુણવત્તા જળવાઈ રહે તે પણ અમૂલે સુનિશ્ચિત કર્યું છે. સતત સંશોધન, મૂલ્યવર્ધન તથા વિતરણ વ્યવસ્થામાં વિસ્તરણને પગલે વર્ષ ૨૦૦૯-૧૦માં રૂા.૮,૦૦૫ કરોડના સ્તરે રહેલું અમૂલનું ટર્નઓવર ૨૦૧૭-૧૮ માં વધીને રૂા.૨૯,૨૨૫ કરોડને આંબ્યું છે. ૨૦૧૭-૧૮માં અમૂલ ગ્રૂપનું ગ્રૂપ ટર્નઓવર રૂા.૪૧,૦૦૦ કરોડ હતું જે વધીને ચાલુ વર્ષે રૂા.૪૫,૦૦૦ કરોડ થવાની અપેક્ષા છે.