ગાહેડ-ક્રેડાઇ ગુજરાત રીયલ એસ્ટેટ પ્રોપર્ટી શૉનો પ્રારંભ, શ્રેષ્ઠ પ્રોપર્ટી વિકલ્પો દર્શાવ્યાં

અમદાવાદ-  ગાહેડ અને ક્રેડાઇના ગુજરાત રીયલ એસ્ટેટ વિઝન-ર૦૩૦ પ્રોપર્ટી શૉનો પ્રારંભ થઈ ગયો છે. સીએમ વિજય રુપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે એફોર્ડેબલ હાઉસિંગ આવનારા સમયની આવશ્યક જરૂરિયાત છે.
વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતનો વિકાસ અન્ય રાજ્યો માટે પથદર્શક બન્યો છે અને રાજ્યના શહેરોની સ્પર્ધા હવે વિશ્વના સ્માર્ટ શહેરો સાથે છે. આવાસ સુવિધા, માળખાકીય સવલતો, લોકોના જીવન ધોરણમાં સુધાર સાથે સ્માર્ટ સિટીઝ-લિવેબલ નગરોના નિર્માણની આપણી નેમ છે.આ બધી વ્યવસ્થાઓ સાકાર કરવા સરકારે કોમન GDCR, ‘રેરા’ નિયમો સરળીકરણ, GST, ઓનલાઇન NA, પાર્કિંગ, માર્જિન અને FSIની કોમન ફેસેલીટીઝ પર GDCRમાં ઝોક આપીને સામાન્ય લોકોની સુરક્ષિતતાને અહેમિયત આપી છે.આ સરકારે ટાઉન પ્લાનીંગ અને ડેવલપમેન્ટ પ્લાનમાં પારદર્શીતા સાથે ર૦૧૮ના એક જ વર્ષમાં ૧૦૦ ટી.પી સ્કીમ મંજૂર કરવાનું ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે.આ વર્ષ દરમ્યાન ૧૦ શહેરોનો ડેવલપમેન્ટ પ્લાન-વિકાસ નકશા પણ સરકારે મંજૂર કર્યા છે.

ઉપસ્થિત મહાનુભાવોએ રાજ્યના બાંધકામ ક્ષેત્રના ‘ગાહેડ’ની પ્રવૃત્તિને બિરદાવતાં જણાવ્યું હતું કે જેટલી શાખ સારી હશે તેટલો બિલ્ડરોને વધુ લાભ થશે.ગાહેડ-ક્રેડાઇના પ્રમુખ આશિષ પટેલે જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટ પર ર૬૬ જેટલી અન્ય ઇન્ડસ્ટ્રીઝ નિર્ભર છે ત્યારે આ ક્ષેત્રનું મહત્વ આપોઆપ વધી જાય છે. આ માટે ગાહેડ વિઝન-ર૦૩૦ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.રાજ્યના સુનિયોજીત વિકાસમાં સહભાગી થવાના ઉદ્દેશથી ગાહેડની સ્થાપના કરાઇ હતી. આજપર્યંત તે પ્રક્રિયા કાર્યરત રહી છે. વિકાસની ધરી પર અગ્રેસર અમદાવાદ શહેરમાં અદ્યતન ગુણવત્તાયુકત અને એફોર્ડેબલ આવાસોની જરૂરિયાત વધવાની છે ત્યારે આ દિશામાં ગાહેડ મહત્તમ યોગદાન આપશે એમ તેમણે ઉમેર્યુ હતું.ક્રેડાઇના નેશનલ પ્રમુખ જક્ષય શાહે રાજ્યના બાંધકામ વિકાસ માટે રાજ્ય સરકારે સરાહનીય પ્રયાસો કર્યા છે. રાજ્યમાં એન.એ.ની પ્રક્રિયા સરળ બનાવી છે તે સાચા અર્થમાં ઉપયોગી પુરવાર થઇ છે, એમ ઉમેર્યુ હતું.અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાયેલ આ શૉ ત્રણ દિવસ ચાલશે. આ શૉ માં શહેર-રાજ્યના જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર્સના શ્રેષ્ઠ પ્રોપર્ટી વિકલ્પો દર્શાવવામાં આવ્યા છે. આ પ્રદર્શનની ૧૩મી શૃંખલામાં નાણાંકીય સંસ્થાઓ, બેન્કો તથા અન્ય સંલગ્ન ઉદ્યોગ સહિત રેસિડેન્શિયલ, એફોર્ડેબલ હાઉસિંગ, શૉપ્સ, કોમર્શિયલ સ્પેસ સહિત કુલ ૧પ૦ થી વધુ પ્રોજેકટસ ડેવલપર્સ ભાગ લઇ રહ્યા છે.

આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેકટર ડૉ. વિક્રાંત પાંડે, ગાહેડ-ક્રેડાઇના અન્ય હોદ્દેદારો, બિલ્ડર્સ-ડેવલપર્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.