હેમા માલિનીનાં જીવનચરિત્ર પુસ્તક માટે વડાપ્રધાન મોદીએ પ્રસ્તાવના લખી

નવી દિલ્હી – પીઢ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીનાં સંસદસભ્ય હેમા માલિનીનાં સત્તાવાર જીવનચરિત્ર પુસ્તક ‘બીયોન્ડ ધ ડ્રીમ ગર્લ’ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંક્ષિપ્તમાં, મુદ્દાસર અને મીઠાશભર્યા શબ્દોમાં પ્રસ્તાવના લખી છે.

આ પુસ્તક સ્ટારડસ્ટ ફિલ્મ મેગેઝિનના ભૂતપૂર્વ તંત્રી અને ફિલ્મ નિર્માતા રામકમલ મુખરજીએ લખી છે. આ પુસ્તકનું વિમોચન ૧૬ ઓક્ટોબરે કરવામાં આવશે. એ દિવસે હેમા માલિનીનો ૬૯મો જન્મદિવસ છે. સાથોસાથ હેમા માલિની હિન્દી ચલચિત્ર જગતમાં એમનાં ૫૦ વર્ષ પૂરાં કરવાની સિદ્ધિ પણ હાંસલ કરશે.

હેમા માલિનીએ ૧૯૬૮માં રાજ કપૂર અભિનીત ‘સપનો કા સૌદાગર’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એમની અભિનય કારકિર્દીનો આરંભ કર્યો હતો. ત્યારબાદ એમણે સીતા ઔર ગીતા, શોલે, ડ્રીમ ગર્લ, સત્તે પે સત્તા જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ કરી હતી. બેહદ સુંદરતાને માટે હેમા માલિની ‘ડ્રીમ ગર્લ’ ઉપનામથી પ્રચલિત થયાં છે.

હેમા માલિની ભારતનાટ્યમ નૃત્યમાં પણ પારંગત છે. હાલ તેઓ મથુરાનાં સંસદસભ્ય છે.

‘બીયોન્ડ ધ ડ્રિમ ગર્લ’ પુસ્તકમાં વાચકો હેમા માલિનીનાં જીવનને ઊંડાણપૂર્વક જાણી શકશે. ૨૩-પ્રકરણો ધરાવતા પુસ્તકમાં એમનાં બાળપણ, કિશોરાવસ્થા, ફિલ્મ કારકિર્દી, રોમાન્સ, સહયોગીઓ, લગ્ન, દિગ્દર્શન, નૃત્ય કળા, રાજકીય સફર તથા આધ્યાત્મિક જીવન પ્રતિ આકર્ષણ જેવી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે.

બે પ્રકરણ હેમાની પુત્રીઓ – એશા અને આહનાને સમર્પિત છે.