નફારૂપી વેચવાલીથી શેરબજારમાં પ્રત્યાઘાતી નરમાઈ

અમદાવાદ– શેરબજારમાં ગઈકાલના ઝડપી ઉછાળા પછી આજે પ્રત્યાઘાતી નરમાઈ રહી હતી. નવા ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, પરિણામે સેન્સેક્સ અને નિફટી બે તરફી સાંકડી વધઘટમાં અથડાઈ ગયા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 27.05(0.08 ટકા) ઘટી 33,573.22 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 16.70(0.16 ટકા) ઘટી 10,423.80 બંધ થયો હતો.એશિયાઈ સ્ટોક માર્કેટની નરમાઈ પાછળ આજે સવારે ભારતીય શેરોના ભાવ ફ્લેટ ખુલ્યા હતા. જો કે નવી લેવાલીનો અભાવ હતો, અને તેજીવાળા ખેલાડીઓએ ઊંચા મથાળે નફારૂપી વેચવાલી કાઢી હતી. જો કે ગઈકાલે એફઆઈઆઈએ 1030 કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી હતી. પણ આજે નવી લેવાલી અટકેલી જોવા મળી હતી. સ્થાનિક નાણા સંસ્થાઓનું પ્રોફિટ બુકિંગ હોવાના સમાચાર હતા. આજે બેંક, ઓટોમોબાઈલ, એફએમસીજી અને મેટલ સેકટરના શેરોમાં વેચવાલી આવી હતી., જેથી સેન્સેક્સ અને નિફટી પર પ્રેશર રહ્યું હતું. છેલ્લા પાંચ દિવસ દરમિયાન સેન્સેક્સ અને નિફટી નવા હાઈ બનાવ્યા હતા, પણ આજે નવો હાઈ પડ્યો ન હતો.

  • આજે 151થી વધુ સ્ટોક વર્ષની નવી ઊંચાઈ પર પહોંચ્યા હતા.
  • યુએસ ફેડરલ રીઝર્વની બેઠકમાં વ્યાદ દરમાં કોઈ ફેરફાર કરાયો નથી. પણ ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધારો થવાનો સંકેત અપાયો છે. ફેડરલ રીઝર્વના ચેરમેન જેનેટ યેલેનનો કાર્યકાળ આગામી વર્ષના ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે, હાલના ફેડ ગવર્નર જેરોમ પૉવેલને વ્હાઈટ હાઉસ દ્વારા ફેડના નવા ચેરમેન બનાવવાની સંભાવના છે.
  • રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 6 લાખ કરોડના માર્કેટ કેપને પાર કરી ગઈ છે, અને તે દેશની સૌથી વધુ માર્કેટ કેપવાળી પ્રથમ કંપની બની છે.
  • આજે ઓટોમોબાઈલ, બેંક, કેપિટલ ગુડઝ, એફએમસીજી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • જો કે આડે કન્ઝ્યુમર ડ્યુરેબલ, ફાર્મા અને આઈટી સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.
  • રોકડાના શેરોમાં તેજીની આગેકૂચ ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 78.74 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 71.69 પ્લસ બંધ રહ્યો હતો.
  • આજની ટ્રેડિંગ સેશનમાં આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, ભારતી એરટેલ, આઈડિયા સેલ્યુલર અને સન ફાર્મામાં સૌથી વધુ ટ્રેડિંગ વોલ્યુમ નોંધાયું હતું.
  • ઓકટોબરમાં બજાજ ઓટોના વેચાણમાં 7 ટકાનો વધારો
  • ખાદિમ ઈન્ડિયાનો આઈપીઓ આજે ખુલ્યો છે
  • નેટકો ફાર્માનો નફો 27.5 ટકા વધી રૂ.84.40 કરોડ થયો છે.