‘નીરવ મોદી ફ્રોડ કૌભાંડ’ માટે જેટલીએ PNB મેનેજમેન્ટ, ઓડિટર્સને દોષી ગણાવ્યા

નવી દિલ્હી – રૂ. 11,300 કરોડના પંજાબ નેશનલ બેન્ક છેતરપીંડી કૌભાંડ અંગે કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ આજે એમનું મૌન તોડ્યું છે અને આ છેતરપીંડીનો પત્તો લગાડવામાં નિષ્ફળ જવા બદલ બેન્કના મેનેજમેન્ટ અને ઓડિટર્સને દોષી ગણાવ્યા છે. જેટલીએ એમ કહ્યું પણ છે કે કૌભાંડકારીઓને પકડવામાં આવશે અને આ પ્રકારના કૌભાંડો થતા રોકવા માટેના પગલાં લેવામાં આવશે.

જેટલીએ અહીં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આપણા સમાજે જ્યારે બેન્કિંગ સિસ્ટમમાં અઢળક રીતે મૂડીરોકાણ કર્યું છે, વડા પ્રધાન (નરેન્દ્ર મોદી)એ પણ સ્વયં જાહેરાત કરી છે કે તમે સ્વાયત્ત બનો એવું સરકાર ઈચ્છે છે. તમારા કામમાં કોઈ દખલગીરી કરવાનું નહોતું અને તેથી તમારે જાતે જ નિર્ણયો લેવાના હતા. જ્યારે મેનેજમેન્ટોને સત્તા આપી દેવામાં આવી હોય ત્યારે એમની પાસેથી અપેક્ષા રાખવામાં આવે કે તેઓ એ સત્તાનો અસરકારક રીતે અને યોગ્ય રીતે ઉપયોગ કરે.

‘અહીં સવાલ એ થાય છે કે મેનેજમેન્ટ ક્યાંક કાચી પડી હતી? તો જવાબ એ છે કે હા, એ કાચી પડી હતી. તેઓ છેતરપીંડીને શોધવામાં નિષ્ફળ ગયા.’

દેશની બેન્કિંગ સિસ્ટમને હચમચાવી મૂકનાર પંજાબ નેશનલ બેન્કમાં થયેલી વિરાટ કદની છેતરપીંડી અંગે નાણાં પ્રધાન જેટલીએ આ પહેલી જ વાર જાહેરમાં કમેન્ટ કરી છે.

આંતરિક તથા બાહ્ય ઓડિટર્સની ભૂમિકા અંગે સવાલ ઉઠાવીને જેટલીએ એવો સવાલ કર્યો કે આપણા ઓડિટર્સ શું કરતા હતા? આંતરિક તથા બાહ્ય, બંને પ્રકારના ઓડિટર્સ આ પ્રકરણમાં છેતરપીંડીને શોધવામાં નિષ્ફળ ગયા છે. મને ખાતરી છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના વ્યવસાયમાં કાર્યરત થયેલાઓ તેમજ આ વ્યવસાયની શિસ્ત પર નિયંત્રણ ધરાવતા લોકો આત્મનિરીક્ષણ કરશે અને ધ્યાન રાખશે કે કયા પ્રકારના કાયદેસરના પગલાં લેવા જોઈએ.

જેટલીએ કહ્યું છે કે આ કૌભાંડમાં સંડોવાયેલા લોકોને પાઠ ભણાવવો જોઈએ અને આ પ્રકારના કૌભાંડો ભવિષ્યમાં ફરી ક્યારેય બનવા ન જોઈએ.

કરોડો રૂપિયાના પીએનબી ફ્રોડ કેસના મુખ્ય આરોપી નીરવ મોદીનું નામ લીધા વગર જેટલીએ કહ્યું કે ભારતીય વ્યાપાર ક્ષેત્રમાં અમુક લોકો નૈતિક મૂલ્યોને અનુસરતા નથી તેથી આપણે સત્તાધિશો તરીકે આપણી કાયદેસર સત્તાનો ઉપયોગ કરીને આવા લોકોને એવો પાઠ ભણાવવો જોઈએ કે દેશની સાથે ફરી કોઈ આવી છેતરપીંડી કરે નહીં.