પેટ્રોલ-ડીઝલમાં સતત આઠમાં દિવસે ભાવ ઘટ્યા

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલમાં થયેલા ભાવ ઘટાડાને લઈને પેટ્રોલ અને ડીઝલની કીમતોમાં રાહત મળી છે. આજે પેટ્રોલની કીમતમાં 11 પૈસા અને ડીઝલની કીમતમાં 8 પૈસાનો ઘટાડો થયો છે. સતત આઠમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર અપડેટ પ્રાઈઝ અનુસાર દિલ્હીમાં અત્યારે પેટ્રોલની કીમત 77.72 રૂપિયા અને ડીઝલની કીમત 68.80 રૂપિયા પ્રતિલીટર થઈ ગઈ છે. છેલ્લા 8 દીવસમાં રાજધાની દીલ્હીમાં પેટ્રોલમાં 71 પૈસા અને ડીઝલમાં 51 પૈસા પ્રતિલીટર ઘટાડો થયો છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં છેલ્લા 10 દીવસમાં ક્રૂડમાં 6 ડોલર પ્રતિ બેરલથી વધારે ઘટાડો થયો છે. ગઈકાલે ક્રૂડ 1.6 ટકા સુધી ઘટીને 73.81 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયું છે. ત્યારે આવામાં ક્રૂડની કીમતોમાં મળી રહેલી રાહતનો ફાયદો દેશના ગ્રાહકોને મળી રહ્યો છે.

આર્થિક નિષ્ણાતોના મતે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડમાં ઘટાડો થયાનો ફાયદો ભારતમાં મળવા લાગ્યો છે, જો કે આ ફાયદો અત્યાર સુધી સાવ સામાન્ય રહ્યો છે. માર્કેટમાં સપ્લાય વધવાથી ક્રૂડ ઓઈલ 74 પ્રતિ બેરલના સ્તર સુધી આવી ગયું છે, જે 10 દિવસ પહેલા 80.50 ડોલર પ્રતિ બેરલના ભાવ પર હતું. જો ઓપેક દેશોએ પ્રોડક્શનમાં ઘટાડો ન કરવાનો નિર્ણય લે તો ક્રૂડના ભાવ વધુ ઘટી 60 ડોલર પ્રતિ બેરલ આવી શકે છે. આ મામલે ઑપેક દેશો અને રશિયા પણ સંકેત આપી ચૂક્યા છે. આનો ફાયદો ભારતીય ગ્રાહકોને મળી શકે છે પરંતુ આના માટે રાજ્ય સરકારોને જ રાહત માટેના ઉપાયો કરવા પડશે.