કોણ છે બિશનોઇ, જેમણે સલમાનને જેલમાં પુરાવ્યો

બિશનોઇ બીજાને નુકસાન કરવામાં માનતા નથી અને માફ કરી દેવામાં માને છે, પણ માફી ત્યારે જ્યારે પોતાને નુકસાન કરાયું હોય. કુદરતને નુકસાન કરાયું હોય ત્યારે માફ કરતા નથી. તેમના માટે કુદરત એ જ ઇશ્વર છે. વૃક્ષ એ જીવન છે અને પશુપક્ષી સહોદર છે. આધુનિક યુગમાં કાળિયારને મારનારાને સજા અપાવવા માટે 20 વર્ષ સુધી અદાલતમાં લડેલો બિશનોઇ સમાજ આજકાલથી પર્યાવરણની કાળજી નથી લેતો. સાડા ચારસો વર્ષથી રાજસ્થાનના રણમાં જીવનને ટકાવી રાખતો આવ્યો છે.રણમાં રહેતા હોય તેને જ ખબર હોય કે વૃક્ષનો છાંયડો એટલે શું. વૃક્ષ છે તો જીવન છે એ માત્ર સૂત્રોમાં નહિ, પણ જીવ આપીને સાબિત કરી આપનારા એટલે બિશનોઇ. મારવાડના રાજાએ રણની નજીક આવેલી જાગીર ઠાકુર સુરતસિંહને આપેલી. ખેજરાલી નામનું ગામ. એ ગામમાં ખેજરીના વૃક્ષો હર્યાભર્યા. રણમાં એ વૃક્ષો એમ જ નહોતી ઊગી નીકળ્યા, ત્યાં વસતા બિશનોઇએ તેમને જીવની જેમ સાચવીને ઉછર્યા હતા. બિશનોઇએ દર વર્ષ એક વૃક્ષ વાવવું પડે. આવી રીતે એક એક કરીને વાવેલા અને સંતાનો સમજીને તેને મોટા કરેલા વૃક્ષો મારવાડના રાજાના માણસોની નજરે ચડી ગયા.

1726માં ખેજરાલીના ભાયાત સુરત બન્યા, તેના થોડા વર્ષો પછી 1731માં મારવાડના રાજા અભય સિંહે મહેલ બનાવવાનું શરૂ કર્યું હતું. તે જમાનામાં ચુનાથી બાંધકામ થતું હતું. ચુના માટે મોટી આગ લગાવવી પડે એટલે આસપાસના ગામોમાંથી લાકડા શોધવાનું શરૂ કરાયું. દરબારનો કારભારી ગીરીધર ભંડારી ખેજરાલી ગામે આવ્યો અને અહીં ખેજરીના વૃક્ષો જોઈને તેને કાપવાનો આદેશ આપ્યો. ભાયાતને વિરોધ ના કર્યો, પણ ગામના લોકોએ વિરોધ કર્યો, કેમ કે તે ગામ બિશનોઇનું હતું.

બિશનોઇ એક ડાળી પણ કોઈને કાપવા દે નહિ. અમૃતા દેવી નામની મહિલા દોડી અને વૃક્ષને કાપતા અટકાવ્યા. રાજાના માણસો માટે આ વધારે પડતું હતું. તેમને એમ હતું કે પૈસાની લાલચ હશે એટલે ગીરીધરે કહ્યું કે તમને પૈસા આપી દઈશું, પણ અમૃતા દેવીએ કહ્યું કે અમારા ધર્મમાં વૃક્ષને કાપવાની મનાઈ છે. મારા ધર્મને બચાવવા માટે હું જીવ આપી દઈશ. કોઈ પોતાનો જીવ એક વૃક્ષ માટે આપી દે તે રાજાના માણસો માની શકતા નહોતા. માણસોએ પડકાર ફેંક્યો એટલે અમૃતા જે ઝાડ તેઓ કાપી રહ્યા હતા તેને વળગી પડી. હટી જા, નહિ તો તને પણ કાપી નાખીશું એવી ધમકી કઠિયારાએ આપી, પણ અમૃતા માટે આ માત્ર વૃક્ષ નહોતું, પોતે ઉછરીને મોટું કરેલું સંતાન હતું. કઠિયારાએ કુહાડીનો ઘા કર્યો, પણ અમૃતા હટી નહિ. અમૃતાએ પોતાનો જીવ દઈ દીધો. તેની ત્રણ દિકરીઓ દોડી. ત્રણેય દિકરીઓ આસુ, રત્ની અને ભગુએ બીજા વૃક્ષોને બાથ ભરી લીધી. રાજાના માણસોને લાગ્યું કે નાના ગામના જંગલી લોકો તેમનો આદેશ માને નહિ તે વધારે પડતું છે. ફરી ચેતવણી આપી કે હટી જાવ નહિ, નહિ હટો તો તમારી માની જેમ તમારા જીવ પણ જશે. ત્રણેય દિકરી હટી નહિ અને રાજાના ક્રૂર માણસોએ ત્રણ દિકરી પર કુહાડા ચલાવ્યા.
ગામના લોકો દોડ્યા. મોટેરા રાજાના માણસો સામે લડી શકે તેમ નહોતા, પણ એક પછી એક આવીને વૃક્ષોને વળગવા લાગ્યા. ખુન્નસે ભરાયેલા રાજાના માણસો અહમમાં અંધ બન્યા હતા અને કશો વિચાર કર્યા વિના બિશનોઇ લોકો પર કુહાડા મારતા રહ્યા. કહેવાય છે કે આસપાસના 83 ગામના બિશનોઇ એક પછી એક વૃક્ષને બચાવવા જીવ દેતા રહ્યા અને 363નો ભોગ લેવાઈ ગયો. આસપાસના બીજા ગામોમાં પણ હાહાકાર થઈ ગયો અને રાજા અભયસિંહ સુધી વાત પહોંચી. અભયસિંહને પણ લાગ્યું કે તેમના માણસોએ વધારે પડતો કેર કરી નાખ્યો. તેઓ દોડી આવ્યા અને બિશનોઇને અભય વચન આપ્યું કે તેમના વિસ્તારમાં કદી રાજાના માણસો વૃક્ષો કાપશે નહિ.

ઉત્તરાખંડમાં વૃક્ષો બચાવવા માટે ચિપકો આંદોલન થયું હતું, તેમાં આ જ રીતે ગામના લોકો વૃક્ષોને વળગીને આંદોલન કરતા હતા. તે ચિપકો આંદોલનના મૂળિયા આ રાજસ્થાનના રણમાં વસતા આમ અભણ, પણ કુદરતને ભણી ગયેલા લોકોમાં હતા. બિશનોઇ જીવ દઈ શક્યો, કેમ કે તેમના માટે આ જ ધર્મ હતો. પ્રકૃત્તિ એ જ ઇશ્વર અને એ જ ધર્મ એવું તેમના ગુરુ 1542માં કહી ગયા હતા. ગુરુનું નામ જામનેશ્વરજી મહારાજ, જે તેમના માટે અવતારી પુરુષ હતા. ભારતની પરંપરા પ્રમાણે તેમને વિષ્ણુના અવતાર માનવામાં આવે છે, પણ વિષ્ણુ પરથી બિશનોઇ શબ્દ નથી આવ્યો. બિશનોઇનો અર્થ થાય છે વીસ અને નવ સૂત્રો. બિશ એટલે 20 અને નોઇ એટલે નવ એમ કુલ 29 નિયમો ગુરુએ પાળવાનો આદેશ આપ્યો હતો.

ગુરુના બિશનોઇ સૂત્રો પાળનારા બિશનોઇ આજ સુધી પર્યાવરણની રક્ષા કરતા આવ્યા છે. સાડા ચારસો વર્ષ પહેલાં પર્યાવરણની રક્ષાનો કોઈ વિચાર પણ નહોતો, ત્યારે રાજસ્થાનના રણમાં વસતા અબૂધ મનુષ્યો એટલું સમજતા હતા કે વૃક્ષ છે તો જીવન છે અને પોતાની જેટલો જ અધિકાર પશુપક્ષીઓને પણ છે. તે વિસ્તારમાં કાળિયાર અને ચિંકારા તરીકે ઓળખાતા હરણ થાય છે. કાળિયાર અને ચિંકારા બિશનોઇ સમાજના લોકોના આંગણાના પશુઓ બનીને રહ્યા છે. બાળક સાથે કાળિયારના બચ્ચાને ધાવણ ધવરાતી નારીના ફોટા સોશ્યલ મીડિયામાં વહેતા થયા હશે તે તેમ જોયા હશે.

પણ બિશનોઇ માટે સેલ્ફી લઈને પર્યાવરણના સૂત્રો લખવા એ જીવન નથી. તેમના માટે કુદરતની વચ્ચે કુદરત સાથે એકાકાર થઈને જીવવું એ જ સાચુ જીવન છે. મૂર્તિપૂજામાં આ લોકો માનતા નથી અને ગુરુ જે 29 નિયમો કહી ગયા છે તેમનું ચૂસ્ત પાલન કરીને જીવે છે.

નાકમાં મોટા આકારની ચૂની સ્ત્રીઓએ પહેરી હોય. રાજસ્થાનના ઘણા આદિવાસી સમાજો જેવો જ તેમનો પહેરવેશ રહ્યો છે. પણ બીજા કરતાં જુદા એ રીતે પડ્યા કે તેમને કદી ના શિકાર કર્યો, ના કોઈને કરવા દીધો.
આજે પણ એ પરંપરા ચાલે છે. આ વિસ્તારમાં હવે સિંચાઇની નહેરો પણ બની છે. પાણીની સમસ્યા પહેલાં કરતા ઓછી થઈ છે, પણ કાળિયારનો જીવ જોખમમાં મૂકાઈ તે બિશનોઇ ચલાવે નહિ. નહેરોને કારણે એક નવી સમસ્યા ઊભી થઈ છે. પાણી જોઈને કાળિયાર અને ચિંકારા અને બીજા પશુઓ નહેરમાં ઉતરે. અંદર ઉતરી તો જાય, પણ પછી બહાર નીકળવું મુશ્કેલ, કેમ કે નહેરને પાકી કરવા સીમેન્ટના પાળા કરાયા છે. પાણી પીવા જનારા પશુઓ નહેરમાં પડીને મોત પામવા લાગ્યા હતા.

લગભગ 30 કાળિયાર નહેરમાં પડીને મરી ગયા તે પછી બિશનોઇ લોકોએ ભેગા થઈને નિર્ણય કર્યો કે પાણી પીવા માટે નહેર સુધી કાળિયાર જાય નહિ તેવું કરવું પડે. હનુમાનગઢ અને શ્રીગંગાનગર જિલ્લાના ગામોમાં બિશનોઇ લોકોએ ભેગા થઈને નહેરની નજીક, અથવા પોતાના જ ખેતરોમાં પાણીના ઓવારા બનાવવાનો નિર્ણય કર્યો હતો. આજે બિશનોઇના ગામોમાં 70 જેટલા ઓવારા બનાવાયા છે. મોટો ખાડો કરીને તેમાં પાણી ભરવામાં આવે છે. પાણી નીચે સોસાઇ ના જાય તે માટે તળિયે પહેલા પ્લાસ્ટિક બિછાવવામાં આવે છે. તેના પર માટી નાખીને પછી પાણી ભરવામાં આવે છે. દસેક દિવસે પાણી ખાલી થઈ જાય એટલે તેને ફરીથી ભરવો પડે. બિશનોઇ લોકોએ આ કામ જાતે સ્વીકારી લીધું છે. કાળિયાર પાણી પીવા કેનાલમાં ના જાય તે માટે આટલી કાળજી લેવાનું જે સમાજ વિચારતો હોય તેમના સંઘર્ષનો કદી અંત આવ્યો જ નથી. બે કાળિયારનો શિકાર કરનારને સજા અપાવવા માટે 20 વર્ષ મથવું પડ્યું છે. ચિંકારાના બીજા કેસમાં સલમાન નિર્દોષ છુટી ગયો છે અને આ કેસમાં પણ આગળ હાઇકોર્ટ અને સુપ્રીમમાં શું થશે તે કહેવું મુશ્કેલ છે. પણ બિશનોઇ સમાજનું સંગઠન છેક સુધી લડશે. હારી જશે, પણ હામ નહિ છોડે. જીવ દઇને વૃક્ષ બચાવનાર સમાજની વાહવાહી થાય છે, પણ તેમનું અનુકરણ કરવાનું કોઈને સૂઝતું નથી તે પણ એક હકીકત છે.