મેં મારા અંગત કારણોસર રાજીનામુ આપ્યું હતુંઃ નરેશ પટેલ

રાજકોટઃ ખોડલધામ ટ્રસ્ટનાં સભ્યો સાથેની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રેસકોન્ફરન્સમાં નરેશ પટેલે કહ્યું કે મારે કોઈની સાથે અદાવત નથી. મેં રાજીનામું મારા અંગત કારણોસર આપ્યું હતું. હું થોડા દિવસોથી ઘણો વ્યસ્ત રહેતો હતો. જેનાં કારણે મેં મારી વ્યસ્તતાને ધ્યાનમાં લઈને રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત નરેશ પટેલે પોતાની ભૂલ પણ સ્વિકારી છે. પોતાની ભૂલ સ્વિકારતા તેમણે કહ્યું કે હા મેં સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે.

બે દિવસ પહેલા રાજીનામું આપનારા અને કલાકોમાં જ તેને પરત ખેંચી ચર્ચામાં આવેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પટેલે જણાવ્યું હતું કે, તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું, અને તેમને સંસ્થા સાથે કોઈ મતભેદ કે આંતરિક વિખવાદ નથી. તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે, રાજીનામું આપવાના નિર્ણય અંગે ખુલીને ન બોલવું તે તેમની ભૂલ હતી. નરેશ પટેલે જણાવ્યું હતું કે, ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલા વિવાદ અને ગેરસમજને ધ્યાનમાં લેતા ખોડલધામ દ્વારા એક કમિટી બનાવવામાં આવશે.

આ કમિટી આગામી સમયમાં આવી રહેલી લોકસભા ચૂંટણી તેમજ અન્ય ચૂંટણીમાં ખોડલધામના ટ્રસ્ટીઓ, ટ્રસ્ટ તેમજ અન્ય લોકોએ કઈ રીતે વર્તવું તેની નીતિ નક્કી કરશે. ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ નરેશ પટેલના રાજીનામાં અંગે કંઈ જાણ ન હોવાનું નિવેદન આપવા અંગે પટેલે કહ્યું હતું કે, ગજેરા મારા પરિવારના સભ્ય સમાન છે, અને તેઓ મારા સારા માટે જ ખોટું બોલ્યા હતા. આજે નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી તે પહેલા તેમની અને ગજેરા વચ્ચે બંધ બારણે બેઠક થઈ હોવાનું પણ કહેવાય છે.