સાવધાન! પૅડ આરોગ્ય માટે છે મહાખતરો

મણાં ‘પૅડમેન’ ફિલ્મ આવી અને સામાન્ય રીતે સમાજમાં પ્રતિબંધિત ગણાતા વિષય પર ચર્ચા છેડાઈ. આ વિષય હતો, સ્ત્રીના માસિકચક્ર વખતે ડાઘ ન દેખાય તે માટે પૅડનો ઉપયોગ કરવો, જેને સેનિટરી નેપકિન કે સેનિટરી પૅડ તરીકે પણ ઓળખાય છે.પરંતુ ભારતમાં સ્ત્રીઓ કપડાંનો ઉપયોગ કરતી આવી છે. પૅડ અને કપડાં બંનેમાં કયું વધુ આરોગ્યપ્રદ છે તે પણ ચર્ચાનો વિષય છે. આપણે ત્યાં પ્રચાર માધ્યમોમાંનાં મોટા ભાગનાં વિદેશમાંથી લખાણની રીતે કે વિચારની રીતે ઉઠાંતરી જ કરતા આવ્યાં છે, તેથી આ વિદેશી માધ્યમો કે કંપનીઓ જે વિચાર આરોપે તેને પકડી લે છે. ઘણી વાર તેમાં કંપનીઓ દ્વારા અપાતા ફાયદા પણ કામ કરી જતા હોય છે. એ વાત ચોક્કસ છે કે કપડાં સસ્તાં અને ફરીથી વાપરી શકાય છે. પૅડની બાબતમાં આવું કહી શકાય નહીં. હા, આરોગ્યની બાબતમાં ઓછું જ્ઞાન ધરાવતી સ્ત્રીઓને આ કપડાં બાબતે એ જ્ઞાન જરૂર આપવું જોઈએ કે શરમના કારણે તેઓ આ કપડાં ઘરની અંદર ન સૂકવે પણ તડકામાં સૂકવે.

પૅડ બિનઆરોગ્યપ્રદ છે. તેનાં અનેક કારણો છે. એક તો સેનિટરી નેપકિનનું વર્ગીકરણ ‘તબીબી ઉત્પાદનો’ની શ્રેણીમાં કરાતું હોવાથી કંપનીઓને કાયદો તેને બનાવવામાં કઈ કઈ ચીજ વપરાય છે તે ઉત્પાદનના પેકેટ પર જાહેર કરવાની ફરજ પાડતો નથી.

એવું કોઈ સંશોધન નથી જે એમ કહે કે ભારતમાં વેચાતા સેનિટરી નેપકિન સલામત છે. ઉલટું સ્ત્રીઓનાં આરોગ્યપ્રદ ઉત્પાદનોમાં વપરાતાં કેટલાંક રસાયણો એવો પ્રશ્ન જરૂર ઉઠાવે છે કે આ ઉત્પાદનો સલામત નથી.

દિલ્લી યુનિવર્સિટીના ફેબ્રિક અને એપરલ સાયન્સનાં એક મહિલા પ્રાધ્યાપક મુજબ, સેનિટરી નેપકિનનો ઉદ્દેશ્ય માત્ર (માસિકનું લોહી) શોષવાનો જ ન હોવો જોઈએ. ઉત્પાદનનાં આરોગ્યને લગતાં પરિમાણો, તેઓ કેટલાં સલામત છે, તે પણ પેકેટ પર લખાવવું જોઈએ. દુર્ભાગ્યે લોકો સેનિટરી નેપકિનની ખરીદી તેની કિંમત, ડિઝાઇન અને પેકેજિંગના આધારે કરે છે.

અમદાવાદ સ્થિત કન્ઝ્યૂમર એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટરે ૨૦૦૩ના વર્ષમાં બજારમાં પ્રાપ્ય સેનિટરી નેપકિનની ૧૯ બ્રાન્ડનું પરીક્ષણ કર્યું તો તેમાં કેટલાક નમૂનાઓ પર ધૂળ અને કીડીઓ જોવા મળી હતી. સેનિટરી પૅડનાં ધોરણોને પણ ૧૯૮૦ પછી અપડેટ પણ કરવામાં નથી આવ્યા. આ ધોરણો પર તો કોઈ પણ સેનિટરી પૅડ પરીક્ષણમાંથી પસાર થઈ જશે.

આ ઉપરાંત જેમ ઘણી બધી ચીજોનાં ઉત્પાદનોમાં થાય છે તેમ, સેનિટરી પૅડનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા હલકી ગુણવત્તાના ઘટકોનો ઉપયોગ થાય છે. અને ધોરણો ૧૯૮૦થી બદલાયાં નથી, તેથી તે પરીક્ષણમાંથી પસાર થઈ જાય છે. સેનિટરી પૅડમાં ડાયૉક્સિન રહેલા હોય છે. તેનો ઉપયોગ શોષવા માટે થાય છે. પરંતુ તેની શરીરમાં આડઅસરો પણ થાય છે અને તેનાથી દાહક રોગ, ઓવરિયન અર્થાત્ ગર્ભાશયનું કેન્સર, રોગપ્રતિરોધક પ્રણાલિને નુકસાન, પ્રજનન તંત્રને ભારે નુકસાન તેમજ ડાયાબિટીસ થઈ શકે છે. તેમાં સુપરએબ્સૉર્બન્ટ પૉલિમર વપરાય છે, તેનાથી પણ શોષવાની ક્ષમતા વધે છે, પરંતુ ૧૯૮૦ના દાયકામાં આ તત્ત્વ પર અમેરિકામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણકે તેનો સંબંધ ટૉક્સિક શૉક સિન્ડ્રૉમ સાથે હતો. આ બીમારી બૅક્ટેરિયાથી થાય છે. પૅડમાં પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ડાઘામુક્ત રહે તે માટે થાય છે. તેનાથી સર્વાઇકલ કેન્સર થઈ શકે છે.

આ ઉપરાંત સેનિટરી પૅડના નિકાલની બહુ મોટી સમસ્યા છે. આપણે જાણીએ જ છીએ કે ઘણી બધી સ્ત્રીઓ ઘરને તો સ્વચ્છ રાખે છે, પરંતુ કેટલીક સ્ત્રીઓ કચરો બહાર નાખે છે. મતલબ, ઘર સ્વચ્છ રહે છે, પરંતુ સૉસાયટી કે ફ્લેટનું કમ્પાઉન્ડ કચરાથી છવાયેલું જોવા મળે છે. પૅડમાં પણ આવું જ થાય છે. પૅડ ગટરમાં રવાના કરાયેલા, જમીનની અંદર દટાયેલું, મેદાનમાં નખાયેલા, તળાવ કે સરોવર કે નદીમાં નખાયેલાં જોવાં મળે છે. તેનાથી પર્યાવરણને પણ ભારે નુકસાન થાય છે. પૅડમાં વપરાતું પ્લાસ્ટિક પણ જમીનમાં, પાણીમાં અને હવામાં જાય છે. આના લીધે પણ પર્યાવરણને ભારે નુકસાન થાય છે. આરોગ્ય નિષ્ણાતો અનુસાર, ભારતીય પરંપરા મુજબ, ઘરનાં સ્વચ્છ કપડાંને માસિક દરમિયાન આરોગ્યપ્રદ રીતે વાપરવાની જો સ્ત્રીઓને જાણકારી અને જાગૃતિ આપવામાં આવે તો બિનજરૂરી ખર્ચ પણ બચશે, પર્યાવરણને પણ નુકસાન નહીં થાય અને સ્ત્રીઓના આરોગ્યને કેન્સર જેવો મહાખતરો પણ ટળી જશે.