સોનમ કપૂર કઈ રીતે બની સ્લિમ-ટ્રિમ?

0
1138

હિન્દી ફિલ્મની સ્ટાઇલિશ અભિનેત્રી સોનમ કપૂરના ગઈ કાલે લગ્ન સંપન્ન થયા. તે વિવાહના બંધનમાં બંધાઈ ગઈ. સોનમ કપૂર લાંબા સમયથી મિત્ર રહેલા આનંદ આહુજા સાથે પ્રભુતામાં પગલાં પાડી ચૂકી છે. ભારતીય ફિલ્મ જગતમાં સોનમ કપૂરના અભિનયના વખાણ થયા વગર રહેતા નથી. પણ તમને ખબર છે કે હિન્દી ફિલ્મમાં અનેક ફિલ્મોમાં સફળ અભિનય કરીને પ્રશંસા મેળવનારી સોનમ કપૂરનું વજન એકસમયે ૮૬ કિલોગ્રામ હતું?આટલા બધા વજનને ઓછું કરવા અને પોતાનું સુંદર શરીર બનાવવા માટે સોનમ કપૂરને ઘણી મહેનત કરવી પડી હતી. સોનમ કપૂર તરુણાવસ્થામાં હતી ત્યારે તેને પોતાના વજનના કારણે ઘણી ચિંતા રહેતી હતી. સ્થૂળતાથી તેને તકલીફ થતી હતી. તો પછી પ્રશ્ન એ થાય કે સોનમ કપૂર આટલી પાતળી પરમાર કેવી રીતે બની? સોનમ કપૂરે ૩૫ કિલો વજન ઘટાડી નાખ્યું. આટલું બધું ઓછું વજન કરી નાખવું એ સહેલું નથી.

હકીકતે સોનમ કપૂર આહારના કેટલાક નિયમોનું પાલન કરે છે અને નિશ્ચિત યોજનાથી કસરતો કરે છે જેના કારણે તેનું પાચનતંત્ર સારું રહે છે અને તેનું વજન આટલું ઘટી શક્યું છે.

અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યા પહેલાં સોનમ કપૂરનું વજન ૮૬ કિલો હતું. તે સમયે તે સિંગાપોરમાં આર્ટ એન્ડ થિયેટરનો અભ્યાસ કરી રહી હતી. ડિગ્રી મેળવ્યા પછી સોનમ હિન્દી ફિલ્મોમાં જોડાઈ અને મોટા નિર્દેશક ગણાતા સંજય લીલા ભણશાળીની સહાયિકા તરીકે કામ કરવા લાગી. થોડા સમયમાં તેણે સંજયની ‘સાંવરિયા’ ફિલ્મ હસ્તાક્ષરિત કરી. પરંતુ તે વખતે તેના વજનનો પ્રશ્ન ઊભો થયો. તેના વધુ વજનના કારણે તેની ટીકા થઈ રહી હતી. સોનમે જોકે એ ટીકાને પોતાના ફાયદા તરીકે જોઈ. તેને હકારાત્મક લીધી.

સોનમ જાણતી હતી કે હિન્દી ફિલ્મોમાં મોટા ભાગે સ્થૂળ અભિનેત્રીઓની કોઈ જગ્યા નથી. આથી તેણે શારીરિક વ્યાયામ નિષ્ણાતો અને આહાર વિશેષજ્ઞોની મદદ લીધી. યાસ્મીન કરાચીવાલાએ પાઇલેટ્સ થકી તેની મદદ કરી. પાઇલેટ્સ એ જૉસેફ પાઇલેટ્સે વિકસાવેલી શારીરિક ચુસ્તી માટેની પદ્ધતિ છે. પાઇલેટ્સ થકી વ્યક્તિ તેના શરીર પર કાબૂ મેળવવામાં સફળ થાય છે તેવો પાઇલેટ્સનો તેના પુસ્તકમાં દાવો છે. પગ, ઘૂંટણ, પેટ વગેરેના સ્નાયૂઓ મજબૂત થાય છે, રમત માટે વ્યક્તિ વધુ ચુસ્ત બને છે તેમ યાસ્મીન કરાચીવાલાનો તેની વેબસાઇટ પર દાવો છે.

આની સાથે યોગ નિષ્ણાત ભરત ઠાકુર પાસે સોનમે પાવર યોગ શીખ્યો. મનીષા અને શેરવીરે તેને વજન અંગે પ્રશિક્ષણ આપ્યું. ઝરીન વૉટ્સને તેને સામાન્ય ચુસ્તી માટે શિક્ષણ આપ્યું. સાથેસાથે સોનમ કપૂર કથ્થક પણ શીખવા લાગી. તે રગ્બી, બાસ્કેટબૉલ અને અન્ય રમતો શાળાકીય જીવન દરમિયાન રમતી. તેનાથી તેને આ બધું શીખવામાં વાર ન લાગી.

હવે વાત કરીએ સોનમના આહારવિહારની. સોનમ કપૂર ઊંચા પ્રૉટીનવાળી ચીજો વધુ ખાય છે. તે દિવસમાં ૫-૬ વાર જમે છે. પરંતુ ચોંકી ન જતા. આ જમવું એટલે સામાન્ય રીતે આપણે પૂરું ભાણું જમતા હોય તેવું આ ભોજન નથી. તે સફરજન, સૂકો મેવો, એનર્જી બાર ભૂખ લાગે ત્યારે ખાય છે. તે ક્યારેક ચૉકલેટ અને અન્ય ભાવતી ચીજો પણ ખાઈ લે છે.

તેની દિનચર્યા પ્રમાણે તેના ખોરાકની રીત આ પ્રમાણે છે. વહેલી સવારે તે લીંબુ અને મધ સાથે ગરમ પાણી પીવે છે. નાસ્તામાં તે ઋતુગત ફળ અને ઑટમીલ લે છે. ૧૧ વાગ્યા આસપાસ તે સૂકો મેવો ખાય છે અથવા ફળનો તાજો રસ પીવે છે. બપોરના ભોજનમાં તે એક બાજરા કે જુવારની રોટલી, દાળ, માછલી અથવા ચિકન, કઢી, કચુંબર ખાય છે. ત્યાર બાદ સાંજે નાસ્તામાં બાફેલા ઈંડાં અથવા ચિકન વગેરે ખાય છે. રાત્રિભોજમાં તે સૂપ, કચુંબર અને ચિકન અથવા ફિશ ખાય છે.

સોનમ તો માંસાહારી છે, પણ ગુજરાતી શાકાહારીઓ શું ખાઈ શકે? તેઓ અહીં માંસાહારના બદલે ખમણ, ઢોકળાં વગેરે તેમને ભાવતી ચીજો લઈ શકે.