હિચકોકની ‘સાઈકો’નાં શાવર દ્રશ્યને બિરદાવતી દસ્તાવેજી ફિલ્મ

હોલીવૂડમાં અત્યાર સુધીમાં અનેક હોરર ફિલ્મો આવી ગઈ છે, પણ હોરર ફિલ્મોમાં ખરો ડર લાવનાર હતી ‘સાઈકો’. હોરર, સસ્પેન્સ-થ્રિલર ફિલ્મોના નિષ્ણાત દિગ્દર્શક આલ્ફ્રેડ હિચકોકની ૧૯૬૦માં રજૂ થયેલી ‘સાઈકો’નું શાવરમાં નાહતી અભિનેત્રીની હત્યાનું દ્રશ્ય ખૂબ ફેમસ થયું હતું. એ દ્રશ્ય તૈયાર કરવા માટે હિચકોકે કરેલી મહેનતને બિરદાવતી એક દસ્તાવેજી ફિલ્મે પણ ખૂબ પ્રશંસા મેળવી છે.

૨૦મી સદીમાં હોલીવૂડની સસ્પેન્સ-થ્રિલર ફિલ્મોનાં સર્જક અને ‘માસ્ટર ઓફ સસ્પેન્સ’ તરીકે પ્રખ્યાત થયેલા દિગ્દર્શક અને નિર્માતા સર આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સાઈકો’માં મેરિયન ક્રેન (જેનું પાત્ર જાણીતી અભિનેત્રી જેનેટ લેઈએ ભજવ્યું હતું) એને શાવરમાં નાહતી અને એક અજાણ્યા શખ્સ દ્વારા છરાના અનેક ઘા ઝીંકીને એને મારી નાખવામાં આવતી હોવાનું દ્રશ્ય હતું. એ દ્રશ્યએ ત્યારે આખી દુનિયામાં હલચલ મચાવી દીધી હતી. એ દ્રશ્યના શૂટિંગને ટ્રિબ્યૂટ કરતી એક દસ્તાવેજી ફિલ્મ ગયા મહિને બ્રિટનમાં રિલીઝ કરવામાં આવી હતી અને ઈંગ્લિશ ફિલ્મ જગતમાં એની વ્યાપક વાહ-વાહ થઈ છે. એ દસ્તાવેજી ફિલ્મ છે એલેકઝાન્ડર ઓ. ફિલીપ દિગ્દર્શિત – ’78/52: Hitchcock’s Shower Scene’, જે ટૂંકમાં, ’78/52′ તરીકે પણ જાણીતી થઈ છે.

સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ દ્વારા ડર પેદા કરનાર હિચકોકની ‘સાઈકો’ ફિલ્મ ૧૯૬૦માં આવી હતી. એનો શાવર-મર્ડરવાળો સીન એટલો બધો ફેમસ થઈ ગયો હતો કે દુનિયાભરમાં સિનેમાનો ઈતિહાસ એણે બદલી નાખ્યો હતો.

એવું તે શું હતું એ શાવરના દ્રશ્યમાં?

એલેકઝાન્ડર ફિલીપને આજના કલાકારોને લઈને ‘સાઈકો’નાં શાવરવાળા એ દ્રશ્ય પર દસ્તાવેજી ફિલ્મ બનાવવાનું એટલા માટે સૂઝ્યું કે ૪૫ સેકંડના એ દ્રશ્યને શૂટ કરતાં હિચકોકે જે મહેનત કરી હતી એનાથી આજના લોકોને તેઓ માહિતગાર માગતા હતા. હિચકોકને માત્ર શાવર-હત્યાનો એક સીન શૂટ કરતાં આખા સાત દિવસ લાગ્યા હતા. એ માટે ૭૮ કેમેરા સેટઅપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બાવન (52) કટ્સ પછી એ દ્રશ્યનું શૂટિંગ ફાઈનલ થયું હતું. મૃત્યુ પામેલી યુવતીની આંખનો આખરી શોટ લેવા માટે ૨૬ શોટ લેવામાં આવ્યા હતા. ફિલીપે માટે જ એમની દસ્તાવેજી ફિલ્મને નામ આપ્યું છે – ’78/52: Hitchcock’s Shower Scene’. આ દસ્તાવેજી એક કલાક અને ૩૧ મિનિટની બની છે. એમાં તેમણે જેનેટ લેઈની પુત્રી જેમી લી કર્ટિસ અને હિચકોકની પૌત્રી ટેરી કેરુબાનો ઈન્ટરવ્યૂ પણ છે.

‘સાઈકો’ ફિલ્મ જોયા બાદ દર્શકો હોરર-થ્રિલરથી હચમચી ગયા હતા. એકાંત મકાનના બાથરૂમમાં શાવરમાં નાહતી મુખ્ય અભિનેત્રી જેનેટ લેઈની છરો ભોંકીને હત્યાનું દ્રશ્ય જોઈને ઘણા ચીસ પણ પાડી ઉઠ્યા હતા. એ વખતે જેનેટ લેઈ સુપરસ્ટાર અભિનેત્રી હતી.

એ દ્રશ્યમાં છરા ભોંકના અવાજની અસરકારકતા માટે હિચકોકે કલિંગરનો ઉપયોગ કર્યો હતો. અનેક ફળો પર છરો ભોંકવાના પ્રયોગ કર્યા બાદ હિચકોકે અંતે કલિંગરને પસંદ કર્યું હતું. એની પર છરો ભોંકતા જે અવાજ આવ્યો એનો મર્ડરના સીન વખતે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

‘સાઈકો’ને થિયેટરમાં રજૂ કરાઈ હતી ત્યારે ફિલ્મની પાત્ર મેરિયન ક્રેનની હત્યાનું દ્રશ્ય જોઈને ઘણા દર્શકો ડરના માર્યા એટલા જોરથી ચીસ પાડતા હતા કે સાઉન્ડટ્રેક પણ બરાબર સાંભળી શકાતું નહોતું. એમ કહેવાય છે કે ફિલ્મના પડદા પર પહેલી જ વાર એક સ્ત્રીની કરપીણ હત્યાનું એ ભયાનક દ્રશ્ય જોઈને દર્શકોની આંખો પહોળી થઈ ગઈ હતી, તેઓ દિગ્મૂઢ થઈ ગયા હતા અને ચોંકી ઊઠ્યા હતા.

એવી ચેલેન્જ ફેંકવામાં આવતી હોય છે કે જેનામાં દમ હોય એ ‘સાઈકો’ ફિલ્મને મધરાતે એકાંતમાં જોઈ બતાવે. ખુદ હિચકોક પણ પોતે બનાવેલી ડરામણી ફિલ્મો એકલા જોતાં ગભરાતા હતા. એ પૂછતા હતા કે દર્શકો મારી બનાવેલી ફિલ્મો કેવી રીતે જોઈ શકતા હશે.

‘સાઈકો’ ફિલ્મે માત્ર અંગ્રેજી નહીં, પણ સમગ્ર વર્લ્ડ સિનેમામાં સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મના નિર્માણમાં ધરમૂળથી પરિવર્તન લાવી દીધું હતું.

હિચકોકે ૧૯૬૪માં એક મુલાકાતમાં કહ્યું હતું કે, તમે માત્ર એક કેમેરા વડે અને નગ્ન સ્ત્રીની છરો ભોંકીને હત્યા થતી હોવાનું મહત્વનું દ્રશ્ય કંઈ એમ હળવાશથી બનાવી શકો નહીં. એને તમારે પૂરી ગંભીરતાથી બનાવવું પડે. તેથી અલગ અલગ અસંખ્ય કટ્સ વડે એ દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું હતું. એ દ્રશ્ય ભજવતી વખતે માત્ર ૪૫ સેકંડમાં જ અમારે ફિલ્મ રોલના ૭૮ ટૂકડા કરવા પડ્યા હતા.

એલેકઝાન્ડર ફિલીપની ’78/52′ દસ્તાવેજી ફિલ્મે હિચકોકની એ મહેનતવાળા દ્રશ્યને ફરી જીવંત કર્યું છે. દસ્તાવેજી જોઈને તમને ‘સાઈકો’ ફિલ્મ જોવાનું મન થઈ જશે.

(આ છે ‘સાઈકો’ ફિલ્મનું શાવર તથા હત્યાના ખોફનાક દ્રશ્યની ઝલક)

httpss://www.youtube.com/watch?v=atjhOhH-V3E

(આ છે, એલેકઝાંડર ફિલીપની દસ્તાવેજી ફિલ્મની એક ઝલક…)

httpss://www.youtube.com/watch?v=_FD3fVXaoag