જીવનમાં સંતુલન કેવી રીતે રાખવું?

બધા પ્રાચીન ગ્રંથોમાં કળાના 6 પ્રકાર કીધા છેઃ (૧) યોગ (૨) મલ્લિકા (3)કુસ્તી અને બાહ્ય રમતો (4) નાટ્ય (5) સંગીત અને (6) વ્યવહારિક…

માનવીય જીવનના દરેક પાસાઓને ઉત્તેજીત કરનાર આઠ અંગ એટલે કે અષ્ટાંગયોગ નિઃશંકપણે બધી કળાઓની માતા છે. યોગનો અભ્યાસ બુદ્ધિ અને ચેતનાને સંસ્કૃતિ દ્વારા કલાકારની કલાને વેગ આપવા માટે મદદ કરે છે. મનુષ્યની કળા ભૌતિક, શારીરિક, ભાવનાત્મક, બૌદ્ધિક અને આધ્યાત્મિક સ્તરે આગળ વધવામાં યોગ મદદરૂપ થાય છે. યોગ કોઈની સર્જનાત્મક પ્રતિભાને પ્રાધાન્ય આપે છે અને કોઈની કલ્પનાને પાંખો આપે છે. તે જોશ અને જુસ્સો વધારે છે. યોગ એ શરીર અને મનનું વિજ્ઞાન છે. યોગનો નિયમિત અભ્યાસ દ્વારા સાધક શરીર અને મન ઉપર નિયંત્રણ લાવી શકે છે. યોગ વિશિષ્ટ દ્રષ્ટિકોણનો વિકાસ કરે છે.

જીવન છે તો પ્રશ્નો રહેવાના, તકલીફો આવવાની, પરંતુ નિયમિત યોગ કરવાથી પ્રશ્નોને જુદા અભિગમથી જોઈ શકાય અને સામાન્ય વ્યક્તિ (જે યોગ નથી કરતા) તેના કરતા યોગ સાધકને દુઃખ ઓછું થાય છે. સાધક પોતાના સ્વભાવમાંથી સ્વાર્થ ઓછો કરી શકે છે. અને એટલે સાધકને દુ:ખ ઓછું થાય છે. એનો અર્થ એવો નથી કે સાધકને ક્યારેય રડવું ન આવે કે દુઃખી ન થાય કે હતાશ ન થાય પરંતુ સાધકને એ પરિસ્થિતિમાંથી બહાર નીકળતા આવડે. એની પરિસ્થિતિ, મનઃસ્થિતિ અને પોતાની લાગણીઓ પર કાબૂ મેળવી શકે.

જેમકે “યોગ કર્મશુ કૌશલમઃ” યોગ એ કાર્યમાં કુશળતા છે. યોગ  સાયકોલોજી છે, વિજ્ઞાન છે. સંસારિક જીવનમાં કે આધ્યાત્મિકતાના સ્તરે આગળ વધવા માટે યોગ સહાયરૂપ થઇ શકે છે.

“યોગ ચિત્તવૃત્તિ નિરોધ:” યોગ તે છે જે ચેતનાના વધઘટને રોકે છે. ચેતના જ્યારે ખસી જાય છે ત્યારે મન નિશ્ચિતરૂપે આધ્યાત્મિક ખોજ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે જ ઋષિ પાતાંજલી અષ્ટાંગ યોગ પર ભાર મૂકે છે. આગળ પણ ઘણીવાર ઉલ્લેખ કર્યો છે કે યોગ એ માત્ર આસન પ્રાણાયમ નથી, યોગ જીવન જીવવાની Guide Book છે.

શરૂઆતમાં સાધક બાહ્ય સ્તરથી આંતરિક સ્તર સુધી આગળ વધે છે. જેમ જેમ યોગાભ્યાસ વધે છે તેમ તેમ આંતરિક સુખની સમજ આવી શકે અને જીવનમાં આવતી તકલીફોને સાધક સારી રીતે હેન્ડલ કરી શકે છે.

ઋષિ પતંજલિએ યોગસૂત્રના 196 Aphorism માં સુંદર રીતે વિગતે સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીર સુધી કેવી રીતે પહોંચાય, ક્યાં અવરોધો આવે, અવરોધ પણ શારીરિક અને માનસિક બંને પ્રકારના હોઈ શકે, એને દૂર કેવી રીતે કરવા એના ઉપાયો બતાવ્યા છે. જેની મદદથી સૂક્ષ્મ શરીર સુધી પહોંચી શકાય અને આત્માની ઓળખ થાય.

દર્શનશાસ્ત્રની પરંપરાને ધ્યાનમાં રાખીને વ્યાસ મુનિ એ યોગાભ્યાસ લખ્યા છે. યોગમાં રસ ધરાવતા લોકોએ વ્યાસ મુનિની ટિપ્પણીનો પણ અભ્યાસ કરવો જોઈએ. અષ્ટાંગ યોગને ઉપરછલ્લી રીતે સમજનારા એવું માને છે કે તે સ્થિર છે જેઓ ફક્ત મુક્તિ માટે ઝંખે છે. આ સાચું નથી. યોગ એ બધા માટે છે જેઓ તેમના સંપૂર્ણ (શરીર + મન) ના સ્વાથ્ય અને સુખાકારીમાં સુધારો કરવા માંગે છે.

તમને શું લાગે છે માણસમાં સમજણશક્તિ ક્યારે આવે અથવા સમજણ શક્તિમાં વધારો કયારે થાય. આપણે તો ઠીક છે કે ભારતમાં રહીએ છીએ કે આજુબાજુ ઢગલો લોકો હોય છે અને આંખ, કાન ખુલ્લા રાખીએ તો ઘણું જોવા, શીખવા, જાણવા મળે. અહીં એક અગત્યની વાત કહું કે યોગાભ્યાસ કરવાથી મનુષ્યને પોતાની ફરજ, પોતાના કર્તવ્યો, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એની સમજણ આપોઆપ કેળવાઈ જાય છે. પોતાની આંતર સૂઝ વિકસે છે અને એ પ્રમાણે જીવન જીવે તો સેકસ તકલીફો પણ ઓછી આવે.

દા.ત:-બે કુટુંબ છે, એક કુટુંબમાં બધા રોજ 30 મિનિટ આસન, પ્રાણાયામ, ધ્યાન કરે છે. એટલે એ કુટુંબમાં એક બીજા માટે કરુણા, મુદિતા જેવા ગુણો વિકસે છે. દરેક પોતાની ફરજ બજાવે છે અને એટલે ક્યાંય કોઈ ફરિયાદ કે અસંતોષ નથી. જ્યારે બીજું કુટુંબ છે તે યોગ નથી કરતા, પતિ કામમાં વ્યસ્ત, ટેન્શન, સ્ટ્રેસ મેનેજ ન કરી શકવાથી પત્નીને બાળકો પર ગુસ્સો ઉતારે, પત્નીની તકલીફો કોઇ સમજી જ શકતું નથી એટલે છે. છોકરાઓ સ્વાર્થી થતા જાય છે, કોઈનું સાંભળતા નથી. બોલો, કયુ કુટુંબ તમે પસંદ કરશો?

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)